________________
પ્રકાશકીય
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાનો આ ગ્રંથ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ.
ગઈ પેઢીના પ્રકાંડ પંડિત પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયાના સુપુત્ર ડૉ. બિપિનચંદ્ર કાપડિયાના જૈન ધર્મ વિશેના લેખો છેલ્લાં કેટલાંક વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’માં વખતોવખત પ્રગટ થતા રહ્યા છે. આ ઉપયોગી લેખો ગ્રંથરૂપે પ્રકાશિત થાય તો ઘણા વાચકોને એ સુલભ થઈ શકે, એમ લાગવાથી સંઘે એ પ્રકાશિત કરવાનું ઠરાવ્યું છે. ડૉ. બિપિનચંદ્ર કાપડિયાએ એ માટે સંમતિ દર્શાવી એ બદલ અમે એમના આભારી છીએ.
જર્મન સહિત વિવિધ ભાષાઓના જાણકાર ડૉ. કાપડિયા (જન્મ ઈ. સ. ૧૯૨૦, સૂરત)ની વિદ્યાર્થી તરીકેની તથા પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી બહુ તેજસ્વી રહી છે. વિષય તરીકે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા લઈને ઉચ્ચ વર્ગમાં બી.એ. અને એમ.એ. થયા પછી એમણે ‘ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખીને મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી ડૉ. કાપડિયાએ વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને એમના માર્ગદર્શન હેઠળ કેટલાક વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી ડૉ. કાપડિયાનું જીવન શાન્ત, ધર્મમય અને સ્વાધ્યાયસભર રહ્યું છે. એમના અનેક લેખો યુનિવર્સિટીનાં જર્નલોમાં અને અન્ય સામયિકોમાં પ્રકાશિત થયા છે. જૈન ધર્મના એમના સ્વાધ્યાયના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલા કેટલાક લેખોનો આ પ્રથમ સંગ્રહ પ્રકાશિત થાય છે. આશા છે કે સુજ્ઞ વાચકોને તે ઉપયોગી થશે.
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org