________________
જ્યોતીન્દ્ર દવે
- ૬૧ રાત્રે અનિદ્રાની ટેવ પછી તો એમને વ્યાધિ જેવી થઈ ગઈ હતી. એક વખત મેં એમને પૂછેલું કે “આખી રાત તમે શું કરો ?” તો કહે, “બેઠો બેઠો કે સૂતો સૂતો વાંચ્યા કરું. વાંચવાનું ન હોય તો ચેન ન પડે. જે હાથમાં આવે તે વાંચું, પણ શિકારકથાઓ હોય તો મને વધારે મઝા પડે.”
જ્યોતીન્દ્ર સાથે મારે ઘનિષ્ઠ પરિચય થયો ફાર્બસ ગુજરાતી સભાને નિમિત્તે. ચંદ્રવદન મહેતા ફાર્બસ સભાના પ્રમુખ અને જ્યોતીન્દ્ર મંત્રી હતા. અમારી સમિતિની બેઠકમાં તેઓ બંનેની હાજરી અચૂક હોય. સરસ વાતાવરણ જામે. ઘણી નવી વાતો જાણવા મળે. બંને સમવયસ્ક મિત્રો એકબીજા ઉપર કટાક્ષ કરે તે માણવા મળે. બેઠકના સમય કરતાં અડધા કલાક વહેલા બંને મુરબ્બીઓ આવી ગયા હોય. ઘરેથી ફાર્બસ પર પહોંચવા સીધી કોઈ બસ મળે નહિ એટલે જ્યોતીન્દ્ર ઘરેથી ચાલતા આવે અને ચાલતા પાછા જાય. પાછા ફરતી વખતે ઘણી વાર હું એમની સાથે ચાલતો ઘર સુધી મૂકવા જતો. ગાડી કે ટેક્ષીની તેઓ ના પાડતા અને કહેતા કે આટલું ચાલવાનું મળે છે તે સારું છે. આટલું નહિ ચાલું તો ઘરમાં આંટા મારવા પડશે. છેલ્લે તો ફાર્બસની બેઠક સિવાય એમને બહાર જવાનું ખાસ બહુ થતું નહિ. તબિયત પણ એટલી અનુકૂળ રહેતી નહિ. તો પણ ફાર્બસની મીટિંગમાં અવશ્ય આવે. કોઈ કોઈ વખત પોતાના દીકરાઓની ભાવિ પ્રગતિ વિશે ચિંતા વ્યક્ત કરે.
જ્યોતીન્દ્રનો સ્વભાવ સરળ અને નિરભિમાની હતો. કોઈ પણ કાર્યક્રમ માટે તેમને નિમંત્રણ મળે અને જો અનુકૂળ હોય તો તરત સ્વીકારે. એમાં ક્યારેય અક્કડ કે વાંકા ન બને. બહારગામ બોલાવનાર સંસ્થાએ સરખી સગવડ ન કરી હોય તો તે વાતને હસી કાઢે. કોઈ વખત કોઈ સંસ્થાએ આયોજનમાં ગરબડ કરી હોય તો ઠપકો ન આપે, પણ વાતને અવળવાણીમાં ઉડાવી દે. એક વખત સૂરતની એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે
જ્યોતીન્દ્રને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તા એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા નિમંત્રણ આપી આવેલા. બંને કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ગોટાળાની ખબર પડી. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદને ગુસ્સો કરી કાર્યકર્તાઓને ઠપકો આપવાને બદલે નવી તરાહનો તોડ કાઢ્યો કે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને બાકીનું પૂરું કરે જ્યોતીન્દ્ર. પછી જયોતીન્દ્ર અડધું વાક્ય બોલે અને ચંદ્રવદન પૂરું કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org