________________
४८८
વંદનીય હૃદયસ્પર્શ અત્યારે જ ઊપડો, પછી પાછો તમારો વિચાર બદલાશે.'
બાપુજી બજારમાં જઈને આવ્યા. બાના હાથમાં પૈસા મૂકતાં કહ્યું, “વેચી નથી, પણ ચાર મહિના માટે ગીરો મૂકી છે.'
“જે કર્યું તે ભલે કર્યું, આપણે હવે પહોંચી વળીશું.'
ત્યાર પછી બાએ દેરાસરે જતાં થોડીક બહેનોને કહ્યું કે “ઘરે કંઈ કામ કરવાનું મળે તો અપાવજો.” એવામાં ત્રણેક મહિના પછી દિવાળી આવતી હતી. બાને ઓળખાણથી કેલેન્ડરો બનાવવાનું કામ મળી ગયું. પ્રેસવાળાને ત્યાંથી કેલેન્ડરના પૂઠાં અને ચિત્રો વગેરે લઈ આવીએ. ઘરે એના ઉપર કંપનીના નામનો કાગળ, લક્ષ્મીજી, સરસ્વતી, શ્રીગણેશ, શિવજી વગેરેનાં ચિત્રો ઑર્ડર પ્રમાણે લાહીથી ચોંટાડીએ અને તિથિ-તારીખનો ડટ્ટો કાણાંમાં ભરાવી ટાઇટ કરી નાખીએ. ઉપર કાણાંમાં લાલ દોરી ભરાવી ગાંઠ મારીએ. દિવાળી સુધી આ કામ ચાલ્યું. ઘરનાં બધાં કામ કરવા બેસી જાય. રોજનાં સો-દોઢસો કેલેન્ડર તૈયાર થાય. કેલેન્ડર પતે પછી કાગળની કોથળીઓ બનાવવાનું કામ બા મેળવી લાવે અને એમાં પણ અમે તે કરવામાં લાગી જતાં. રાતના ઉજાગરા પણ કરતા, પણ એમ કરતાં આવક થતી ગઈ.
બાની ઈચ્છા એવી હતી કે કષ્ટ પડે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવાં. હું મેટ્રિકમાં હતો ત્યારે વાંચવા માટે જાગતો હતો. બા મારી પાસે જાગતાં બેસી રહેતાં કે જેથી મને આળસ ન આવે. મેટ્રિક પછી અમે બે ભાઈઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવા ગયા તો બા બે-ત્રણ દિવસ કશુંક ખાવાનું બનાવીને લાવતાં અને કહેતાં કે દોસ્તારોને પણ ખવડાવજો. બી.એ. પછી એમ.એ.ના અભ્યાસ માટે પાટણ જૈન મંડળની હોસ્ટેલમાં રહેવા ગયો તો બા રોજ મારે માટે ટિફિન લઈને આવે કે જેથી મારે ઘરે જવા-આવવામાં સમય ન બગડે. એમ.એ.માં હું પહેલો આવ્યો અને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે બાને કહેતો કે “આ ચંદ્રક તમારે લીધે મળ્યો છે.” સંતાનોને ભણાવવાની બાની હોંશ એટલી બધી કે પાંચ સંતાનો ડબલ ગ્રેજ્યુએટ થયાં અને તે પણ આવા કપરા સંજોગોમાં.
આમ છતાં બા અમારાં કોઈ ભાઈબહેનની કૉલેજ જોવા આવ્યાં નથી. મારી ઝેવિયર્સ કૉલેજનું નામ પણ બાને ન આવડે. કહે કે મારે નામ શીખીને શું કામ છે? કોઈ પૂછે તો કહે કે ધોબીતળાવ પર આવેલી કૉલેજમાં ભણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org