________________
૪૪૬
વંદનીય હૃદયસ્પર્શ
કરવું, તેમને અતિથિગૃહમાં ઉતારો આપી તેમનાં ભોજનાદિની સગવડ કરવી, તેમની સેવામાં કર્મચારીઓને જુદાં જુદાં કામ સોંપવાં, ગાડીમાં બેસાડીને તેઓને આસપાસ ફેરવવા ઈત્યાદિ પ્રવૃત્તિઓમાં દોશી-દંપતીના ઉત્સાહની આપણને પ્રતીતિ થાય. કાકા અને મુ. ભાનુબહેન અતિથિગૃહમાં આવી બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખે. કોઈ દિવસ એવો ન હોય કે માત્ર કાકા અને ભાનુબહેન – એમ બે જણે સાથે ભોજન લીધું હોય. અતિથિ બારે માસ હોય અને તેમને ઉત્સાહથી જમાડે. મહેમાન વગર ખાવાનું ન ભાવે. ચિખોદરાની હૉસ્પિટલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી છે એટલે દેશવિદેશથી મુલાકાતે આવનાર મહેમાનોની અવરજવર આખું વર્ષ રહે, છતાં નહિ થાક કે નહિ કચવાટનું નામનિશાન. તેઓ કામ કરવામાં ચોક્કસ, પણ નોકરચાકરની કંઈ ભૂલ થઈ હોય છતાં દોશી-દંપતીએ ક્યારેય ગુસ્સો કર્યો હોય, બરાડા પાડ્યા હોય એવું ક્યારેય ન બને. સમતાનો ગુણ તેમના જીવનમાં વણાઈ ગયો છે.
શ્રી આર. કે. દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છે : “દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયો છે, ગુસ્સો ગાયબ થઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં. અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તરત જ આવનાર વ્યક્તિ બરફ બની જતો. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો ધોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, વેર નથી કે કડવાશ નથી. શિથિલતા દર્શાવનાર વ્યક્તિઓ પ્રત્યે આકરા થવાની વૃત્તિ નથી. નરી શીતળતા, ચંદ્રથી પણ વિશેષ શીતળતા. સૌનું વિશ્રામસ્થાન એટલે દોશીકાકા; થાક્યાપાક્યાનું એ વિશ્રામસ્થાન છે. એમને મળતાંની સાથે જ બોજ હળવો બને છે. તેઓ આબાલવૃદ્ધ સૌના વાત્સલ્યમૂર્તિ છે. તેઓ ઘેઘૂર વટવૃક્ષ સમી શીતળ છાયા પ્રદાન કરનાર છે.
| દોશીકાકા એટલે ગાંધીયુગના છેલ્લા અવશેષોમાંના એક. એમની કેટલીક વાતો, ભવિષ્યમાં લોકો જલદી માનશે નહિ. જેમની પાસે પોતાની માલિકીનું ઘર નથી, જમીન નથી, મિલકત નથી, બેંકમાં ખાતું નથી એવા આ લોકસેવકે ભરયુવાનીમાં રવિશંકરદાદાના પ્રભાવ હેઠળ આવી સેવાનો ભેખ લીધો. તેઓ સાચા વૈષ્ણવજન છે, સાચા શ્રાવક છે. એમને ગીતની પરિભાષામાં કર્મયોગી તરીકે ઓળખાવવા તે યોગ્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org