________________
૩પ૬
વંદનીય હૃદયસ્પર્શ બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો.
મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતાં તે દરમિયાન એમ. ટી. બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણે બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજ્જતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરવાની અપવાદરૂપે છૂટ એમ. ટી. બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણા ઊંડા ઊતરતા અને તેમાં લેખન-અધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા.
હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ. ટી. બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હમેશાં ઘણા જ ઓછા રહ્યા છે. આથી ઇતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી
જ્યારે જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એકસાથે ઘણાં પુસ્તકોના સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઇસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં. લેખના વિષય પ્રમાણે પુસ્તકો બદલાતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org