________________
૩૮ કે. પી. શાહ
જામનગરના પીઢ રાજકીય નેતા અને ઉદારદિલ, વયોવૃદ્ધ સમાજસેવક શ્રી કાન્તિલાલ પી. શાહનું ૧૯૯૨ના ડિસેમ્બરમાં અમદાવાદમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેઓ પોતાના કાન્તિલાલના નામ કરતાં કે. પી. શાહના નામથી વધુ જાણીતા હતા. જામનગર જિલ્લામાં ફક્ત “કે.પી.” એટલા બે અક્ષર જ એમની ઓળખાણ માટે પૂરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં એમનો પત્ર આવેલો, પરંતુ પત્રમાં સરનામું નહોતું લખ્યું એટલે હું જવાબ લખી શક્યો ન હતો. તેઓ મળ્યા ત્યારે કહ્યું : “કે. પી. શાહ, જામનગર' એટલું લખો તો પણ પત્ર મને મળી જાય.” સ્વ. કે. પી. શાહની સુવાસ કેટલી મોટી હશે તે આટલી નાની વાત પરથી પણ સમજાય. સ્વ. કે. પી. શાહનું જીવન એટલે માનવતાની સુવાસથી સભર જીવન. કુશાગ્ર બુદ્ધિ, કુશળ વટીવટી શક્તિ, દીર્ધદષ્ટિ, તીવ્ર સ્મરણશક્તિ, વેપાર-ઉદ્યોગની ઊંડી સમજ, સાહિત્યવાંચનનો શોખ, રાજકીય પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસ, મીઠાશભર્યા સંબંધો સાચવવાની કળા, સ્વોપાર્જિત ધન સન્માર્ગે વાપરવાની ભાવના, ભક્તિપરાયણતા, અધ્યાત્મરસિકતા, મૂદુભાષિતા, પરગજુપણું અને હાથ નીચેનાં માણસો સાથે પણ પ્રેમભર્યો વ્યવહાર વગેરે ગુણોથી એમનું જીવન મઘમઘતું હતું.
સ્વ. કે. પી. શાહ લીંબડીના વતની હતા. એમનો જન્મ લીંબડીમાં થયો હતો. ત્યારે એમની કૌટુંબિક આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીંબડીમાં લઈ તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે તેઓ મુંબઈ આવીને રહ્યા હતા. એક ખાનગી પેઢીમાં કારકુન તરીકે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમાં પોતાની બુદ્ધિશક્તિ અને પ્રમાણિકતાથી તેઓ સારી પ્રગતિ કરતા રહ્યા હતા. તક મળતાં તેઓ વ્યવસાય અર્થે જામનગર આવીને રહ્યા. ત્યાં તેમની ચડતી થતી ગઈ. વખત જતાં એમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવ્યો. આર્થિક ઉન્નતિ ઘણી સારી થઈ અને પછી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org