________________
૩૨૩
હંસાબહેન મહેતા હોય નહિ અને અન્ય જ્ઞાતિમાં લગ્ન થઈ શકે નહિ. જ્ઞાતિનાં બંધનો આજે જેટલાં શિથિલ છે તેટલાં ત્યારે નહોતાં. જ્ઞાતિમાંથી બહિષ્કૃત થવું એ ઘણી મોટી સજા ગણાતી હતી. એ દિવસોમાં હંસાબહેન મહેતા માટે પોતાની વડનગરા નાગર જ્ઞાતિમાં કોઈ યોગ્ય યુવાન હતો નહિ. સર મનુભાઈ દીવાનનું કુટુંબ પ્રગતિશીલ હતું. છતાં જ્ઞાતિનાં બંધનો તોડવા જેટલું સાહસ કરવાની હિંમત તેમનામાં હતી કે કેમ તે પ્રશ્ન છે. એ વખતે વડોદરા રાજયમાં ચીફ મેડિકલ ઑફિસર તરીકે કામ કરનાર તેજસ્વી યુવાન ડૉ. જીવરાજ મહેતા હતા. તેઓ અમરેલીના વતની હતા અને અમરેલી વડોદરા રાજયનું શહેર હતું. એટલે ગાયકવાડી રાજયમાં તેના પ્રજાજન તરીકે ડૉ. જીવરાજ મહેતાને સયાજીરાવ ગાયકવાડે મોટી પદવી આપી હતી. ડૉ. જીવરાજ મહેતા કપોળ જ્ઞાતિના હતા. હંસાબહેન માટે તે યોગ્ય ઉમેદવાર હતા. તેમની સાથે હંસાબહેનનાં લગ્ન થાય એવી સયાજીરાવની ઇચ્છા અને સંમતિ હતી. પરંતુ જ્ઞાતિ બહાર લગ્ન કરવાનો પ્રશ્ન ઘણો વિકટ હતો. ઈ. સ. ૧૯૨૪માં હંસાબહેને ડૉ. જીવરાજ મહેતા સાથે પ્રેમલગ્ન કર્યા. ત્યારે એ આંતરજ્ઞાતીય લગ્ન માટે એમનાં કુટુંબીજનોએ પણ જબરો વિરોધ કર્યો. મોસાળ પક્ષે તો તેમનો બહિષ્કાર કર્યો હતો. માત્ર વડોદરા રાજ્યમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં તે સમયે ઘણો મોટો ખળભળાટ મચી ગયો હતો. એ વખતે છાપાંઓ ઓછાં નીકળતાં હતાં, પણ પત્રિકાઓ ઘણી નીકળતી હતી. એવી પત્રિકાઓ ઘેર ઘેર લોકોને વહેંચવામાં આવતી. ઠીક ઠીક લાંબા સમય સુધી આવી પત્રિકાઓ નીકળ્યા કરી હતી. (હાલ ૧૯૯૫માં વડોદરા શહેરની નેવું વર્ષની ઉપરની ઉંમરની જે વ્યક્તિઓ હયાત હશે તેવી વ્યક્તિને એ સમયનું ખળભળાટનું વાસ્તવિક ચિત્ર નજર સામે તરવરશે. મારા પિતાશ્રી હાલ ૯૯ વર્ષની ઉંમરના છે. તેઓને પણ આ પ્રસંગની સ્મૃતિ તાજી છે.)
એ સમયે બાલયોગીના ઉપનામથી કોઈક ઘણી પત્રિકાઓ કાઢતું હતું. એવી પત્રિકાઓમાં બેફામપણે લખાતું. સર મનુભાઈ પોતાની પુત્રીની આ ઘટના માટે, અંગત માન્યતા અને જાહેર અભિપ્રાય જુદાં જુદાં ધરાવતા.
વડોદરામાં જે જાતનું ખળભળાટભર્યું વાતાવરણ હતું તે જોતાં ત્યાં વધુ સમય રહેવાનું ગમે એવું નહોતું. એથી હંસાબહેન અને ડૉ. જીવરાજ મહેતા મુંબઈ આવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org