________________
બચુભાઈ રાવત
કૃતિઓ પાછી મોકલતાં તેઓ અચકાતા નહિ. એક વખત બળવંતરાય ઠાકોરની કવિતા એમણે પાછી મોકલી એટલે બળવંતરાય અમદાવાદ આવ્યા ત્યારે ધૂંઆપૂંઆ થતા ‘કુમાર’ કાર્યાલયમાં ગયા. બચુભાઈએ એમને શાંત પાડ્યા અને નબળી કવિતા ન છાપવી એ ‘કુમાર’ના તથા બળવંતરાયના હિતની વાત છે એમ પ્રેમથી સમજાવ્યું. આવું તો બીજા કેટલાયે લેખકોની બાબતમાં બન્યું છે. ચુનીલાલ મડિયાની એક વાર્તા બચુભાઈએ પાછી મોકલાવી તો મડિયાએ ‘કુમા૨’માં વાર્તા લખવાનું બંધ કર્યું. એક વખત બીજા એક પ્રતિષ્ઠિત વાર્તાકારની વાર્તા પાછી ગઈ એટલે એમણે પોતાના મિત્ર દ્વારા ધમકી આપી, કે “અમે લેખકો ‘કુમાર’નો બહિષ્કાર કરીશું.’ બચુભાઈ પાસે આ વાત આવી ત્યારે એમણે કહ્યું, “તમારા મિત્રને કહેજો કે હું કોઈ દ્વેષ, ઈર્ષા કે જૂથબંધીને કારણે કૃતિ પાછી મોકલાવતો નથી. ‘કુમાર’ના ધોરણને અનુરૂપ ન હોય એવી કૃતિ ગમે તેવા મોટા કવિ-લેખકની હોય તો પણ તે પાછી મોકલાવું છું. તેમ છતાં બહિષ્કાર કરવો હોય તો જરૂર કરે; એકલે હાથે આખી જિંદગી ‘કુમાર' નિયમિત ચલાવી શકું એટલો મારામાં મને વિશ્વાસ છે.’
બચુભાઈએ પોતે પણ ‘કુમાર’માં લખતા. શરૂઆતમાં તેઓ પોતાના નામથી લખતા. પછી ઉપનામ ‘ઈ.ત.’થી લખતા – બચુભાઈનો છેલ્લો અક્ષર ‘ઈ’ અને રાવતનો છેલ્લો અક્ષર ત. પછીથી ‘ઈ.ત.’ ઉપનામ પણ મૂકવાનું તેમણે છોડી દીધું. ‘કુમાર’માં નામ વગરનું જે લખાણ હોય તો તે બચુભાઈનું રહેતું.
૧૧
બચુભાઈએ નવા નવા લેખકો, કવિઓ, ચિત્રકારો વગેરે તૈયાર કરવામાં કેટલો બધો ફાળો આપ્યો છે ! કાચાં લખાણો સુધારી-મઠારીને તૈયાર કરવામાં તંત્રી તરીકે બચુભાઈએ જેટલું કાર્ય કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે ! પરિણામે કેટલા બધા કવિ-લેખકોએ પોતાનું પુસ્તક બચુભાઈને અર્પણ કર્યું છે ! સાધનસામગ્રીની પસંદગીમાં આટલા બધા કડક છતાં સામયિકના કોઈ એક તંત્રીને વધુમાં વધુ પુસ્તકો અર્પણ થયાં હોય તો તે બચુભાઈને ! ગુજરાતના કવિ-લેખકોની ત્રણ પેઢીને તૈયાર કરવામાં બચુભાઈનો હિસ્સો ઘણો મોટો છે. તંત્રીને બદલે માત્ર લેખક બન્યા હોય તો બચુભાઈ પાસેથી વિવિધ વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો મળ્યાં હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org