________________
૨૬૨
વંદનીય હૃદયસ્પર્શ
થઈ જઈ પછી બીજા વિષયની વાત કરતા. જ્યારે કોઈ પણ ન હોય ત્યારે તેઓ પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત બનતા. રોજ અમુક નિશ્ચિત કરેલો મંત્રજાપ અચૂક કરી જતા. તેઓ પાર્શ્વનાથ અને પદ્માવતી માતાનો જાપ કરતા. તેવી રીતે માણિભદ્રવીરનો જાપ કરતા. રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને જિનપૂજા કરવા જતા. એમનો રોજનો ક્રમ બરાબર ગોઠવાઈ જતો.
પનાભાઈ લગભગ પાંચ દાયકા જેટલાં વર્ષો મુંબઈમાં એકલા રહ્યા, પણ હાથે રસોઈ કરી નહોતી કે લૉજ-વીશીમાં જમવાનું બંધાવ્યું નહોતું. વસ્તુતઃ ભોજન માટેનાં નિયંત્રણોને તેઓ પહોંચી શકતા નહિ. કોઈક ને કોઈક ઘરે એમનું જમવાનું ગોઠવાઈ જ ગયું હોય. એ બતવે છે કે એમનો શિષ્યવર્ગ અને ચાહક વર્ગ કેટલો બધો વિશાળ અને ભાવવાળો હતો. એમની સુવાસ કેટલી બધી પ્રસરેલી હતી. ખંભાતના કેટલાક શ્રેષ્ઠીઓ સાથે એમને ઘર જેવો સંબંધ થઈ ગયો હતો. કેટલાયે મિત્રો એમને પોતાને ઘરે રહેવા બોલાવતા. કેટલાક પ્રવાસમાં કે તીર્થયાત્રામાં એમને સાથે લઈ જતા.
અમારી વિનંતીને માન આપી પનાભાઈ એક અઠવાડિયું અમારે ઘરે પણ રહેવા આવ્યા હતા. એ અઠવાડિયા દરમિયાન એમના સતત સહવાસનો અમને લાભ મળ્યો. એ સમયમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' તેઓ અમને સમજાવતા હતા. અલબત્ત, આખો રાસ પૂરો ન થયો, તો પણ એમની પાસેથી તત્ત્વની ઘણી સારી સમજણ સાંપડી હતી.
છેલ્લાં કેટલાંયે વર્ષથી પનાભાઈ પૂનમની શંખેશ્વરની યાત્રા કરતા. પૂનમની શંખેશ્વર તીર્થની યાત્રા કરનાર એક મંડળમાં પનાભાઈ જોડાઈ ગયા હતા. બે દિવસના ત્યાંના રોકાણમાં તેઓ પૂજા કરે અને જેઓને રસ હોય તેઓને સ્વાધ્યાય કરાવે. આમ વર્ષો સુધી એમણે પૂનમે શંખેશ્વરની યાત્રા કરી હતી.
એક વાર પનાભાઈ સાથે હું શંખેશ્વરની પૂનમની યાત્રાએ ગયો હતો. એ વખતે ૫. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ શંખેશ્વરમાં બિરાજમાન હતા. અમે એમને વંદન કરવા ગયા. પનાભાઈ સાથે દોઢ-બે કલાક જ્ઞાનગોષ્ઠી ચાલી. તે વખતે જણાયું હતું કે પ. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજને પનાભાઈ માટે અત્યંત આદર છે. તેઓ જ્યાં ચાતુર્માસ હોય અને અનુકૂળતા હોય તો પોતાના શિષ્યશિષ્યાના પરિવાર માટે બાર-પંદર દિવસ કે મહિનો સ્વાધ્યાય કરાવવા માટે પનાભાઈને બોલાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org