SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ લાડકચંદભાઈ વોરા શતાબ્દી મહોત્સવ ઊજવવાનું આશ્રમ તરફથી નક્કી થયું, પરંતુ સમારંભ પહેલાં જ બાપુજીને તાવ આવ્યો હતો. આશ્રમમાં હોવા છતાં સમારંભમાં ત્રણ કલાક તેઓ બેસી શકશે કે કેમ એ વિશે શંકા હતી. પરંતુ તેઓ પોતાના મનોબળથી સ્વસ્થ થઈ ગયા અને કાર્યક્રમમાં બરાબર ઉપસ્થિત રહી શક્યા. આ મનોબળને કારણે જ તેઓ ૮૦ની ઉંમર પછી ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા એકથી વધુ વાર જઈ શક્યા હતા. બાપુજી પત્રવ્યવહારમાં સરકારી અમલદારની જેમ બહુ ચીવટવાળા હતા. જે કોઈનો પત્ર આવે અને એમાં પણ કોઈએ માર્ગદર્શન માંગ્યું હોય એને અચૂક જવાબ લખાયો હોય. રોજ ઘણુંખરું સાડા અગિયાર વાગ્યે જમવા જતાં પહેલાં જો ટપાલ આવી ગઈ હોય તો ત્યારે અને નહિ તો પછી જમ્યા બાદ બધી ટપાલો બીજા પાસે વંચાવી લેવામાં આવે અને અનુકૂળતા મળતાં જવાબ પણ લખાઈ જાય. આફ્રિકા, ઇંગ્લેંડ અને અમેરિકામાં કેન્દ્રો થતાં અને ભક્તો વધતાં રોજેરોજ વિદેશથી કોઈક ને કોઈકનો પત્ર આવ્યો જ હોય, અને રોજેરોજ જવાબો લખાવાતા જતા હોય. સાયલા જેવા નાના ગામની પોસ્ટ ઑફિસમાં અગાઉ વિદેશ માટેના એરલેટર જવલ્લે જ મળે, પણ આશ્રમની સ્થાપના પછી વિદેશનો ટપાલવ્યવહાર વધતાં એરલેટર જયારે જોઈએ ત્યારે મળવા લાગ્યા. બાપુજી પાસે બીજાનું હૃદય જીતવાની સ્વાભાવિક કળા હતી. તેઓ ગુણાનુરાગી, ગુણપ્રશંસક હતા. બીજી બાજુ પોતાની મહત્તાનો ભાર કોઈને લાગવા દેતા નહિ. પોતે ઉંમરમાં ઘણા મોટા હતા. સામાજિક દરજ્જાની દષ્ટિએ એસિસ્ટંટ કલેક્ટરની પદવી સુધી પહોંચેલા હતા. આધ્યાત્મિક સાધનામાં તેઓ ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. એટલે એમની હાજરીમાં બીજાઓ અલ્પતા અનુભવી શકે. પરંતુ બાપુજી ક્યારેય પોતાની કાર્યસિદ્ધિની વાત કરે નહિ. કોઈ પૂછે અને કહેવી પડે તો એમાં બીજાને પ્રભાવિત કરવાનો આશય હોય નહિ. એને લીધે જેઓ એમના સંપર્કમાં આવે તેઓ જેમ જેમ એમને વધુ ઓળખે તેમ તેમ એમના પ્રત્યેનો આદરભાવ વધતો જાય. બાપુજી વ્યવહારદક્ષ પણ એટલા જ. ઊઠવા-બેસવામાં, ખાવા-પીવામાં દરેકનું ધ્યાન રાખે. એથી જ એમના સંપર્કમાં આવેલી વ્યક્તિ એમના તરફ ખેંચાયા વગર રહે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy