________________
૨૧૮
વંદનીય હૃદયસ્પર્શ એ વિષય અને બાબતને અંગે તેઓ પત્રકારને સામો એવો પ્રશ્ન પૂછતા કે પત્રકારને ચૂપ થઈ જવું પડતું. આ સજ્જતા કંઈ જેવીતેવી નહોતી. વિગતોની માહિતી તો હોવી જોઈએ. પરંતુ દરેક પ્રશ્ન અંગે પોતાની વિચક્ષણ બુદ્ધિથી કરેલું ચિંતન પણ હોવું જોઈએ. આથી જ મોરારજીભાઈ સાથે પત્રકારોની પરિષદ યાદગાર બની જતી. કટોકટી પછી તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં આગળ પત્રકારોની સમક્ષ અને બીજા રાજદ્વારી પુરુષો સમક્ષ એમણે જે ઉબોધન કર્યું હતું તે એટલું બધું સચોટ, માર્મિક અને ગૌરવવાળું હતું કે જયપ્રકાશ નારાયણે એમને ભારતમાંથી ફોન કરીને કહ્યું હતું કે, “તમારા જેવા ભારતના વડાપ્રધાનને માટે અમે ખરેખર બહુ ગૌરવ અનુભવીએ છીએ. જયપ્રકાશ નારાયણ જેવી તટસ્થ, દેશભક્ત મહાન વ્યક્તિએ મોરારજીભાઈ માટે ઉચ્ચારેલા આવા શબ્દો મોરારજીભાઈ માટેના એક મોટા પ્રમાણપત્ર જેવા બની રહે છે.
મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને એક વખત મુંબઈ આવ્યા હતા ત્યારે સ્વ. ચીમનલાલ ચકુભાઈ એમને મળવા જવાના હતા. ચીમનભાઈ મને પણ સાથે લઈ ગયા હતા. દસ મિનિટનો સમય આપ્યો હતો. ખાસ કોઈ કામ નહોતું. માત્ર ઔપચારિક મળવાનું જ હતું. અમે મોરારજીભાઈના નિવાસસ્થાને ગયા. આગળના મુલાકાતી બહાર નીકળ્યા એટલે અમને બોલાવ્યા. વડાપ્રધાનના પદ ઉપર આરૂઢ થયા તે પછી મોરારજીભાઈને પહેલી વાર ચીમનભાઈ મળતા હતા. ચીમનભાઈએ મારો પરિચય કરાવ્યો. પછી રાજકારણની વાતો ચાલી. ચરણસિંહ, રાજનારાયણ, જયોર્જ ફર્નાન્ડિસ વગેરે વિશે બોલતાં મોરારજીભાઈ નિખાલસ છતાં સાવધ રહેતા જણાયા હતા. મારે તો કશું બોલવાનું હતું જ નહિ. બે મોટા માણસની વાતચીતનો દોર કેવી રીતે ચાલે છે તે જ હું તો જોયા કરતો હતો. સમય થયો એટલે અમે ઊભા થયા. મોરારજીભાઈ રૂમના બારણા સુધી વળાવવા આવ્યા, કારણકે ચીમનભાઈ અને તેઓ જૂના મિત્ર હતા. ચીમનભાઈએ અગાઉ “જન્મભૂમિ'માં, પ્રબુદ્ધ જીવનમાં મોરારજીભાઈની ઘણી ટીકા કરી હતી. પણ મોરારજીભાઈની વાતમાં એનો અણસાર સુધ્ધાં નહોતો. બહાર નીકળીને ચીમનભાઈએ મને કહ્યું, “તમે જોયું, મોરારજીભાઈની આંખો કેટલી બધી શાર્પ છે ? એમની આંખોમાં એક પ્રકારનું મૅગ્નેટિઝમ છે એવું મને હમેશાં લાગ્યા કર્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org