________________
વંદનીય હૃદયસ્પર્શ
પંડિતજી મિતભાષી અને મિતાહારી હતા. વાતચીતમાં તેઓ હમેશાં ટૂંકા અને મુદ્દાસર જવાબ આપતા. એ જવાબમાં પણ એમની વિદ્વત્તા ડોકિયું ક૨ી જતી. તત્ત્વજ્ઞાનની ચર્ચા હોય તો એમની બહુશ્રુતતાની પ્રતીતિ વાતે વાતે થતી. દરેક ધર્મ અને સંપ્રદાયની કે એના મહાન દાર્શનિકોની વાત થતી હોય ત્યારે તેના ગુણપક્ષે શું શું છે અને એની મર્યાદા ક્યાં ક્યાં રહેલી છે તેની સમતોલ વાત પંડિતજી પાસેથી સાંભળવા મળતી. પંડિતજીની સ્મૃતિ ખૂબ સતેજ હતી અને કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથનો સંદર્ભ તેઓ ઝીણવટથી તરત આપતા.
૬
પંડિતજી મંદ અને મૃદુ અવાજે વાત કરતા. કોઈ વાર ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે જમણા (કે ડાબા) હાથની તર્જની ઊંચી કરી તે વડે તેઓ તે દર્શાવતા. પંડિતજી એકલા બેઠા હોય અથવા માત્ર સાંભળવાનું ચાલતું હોય ત્યારે એમના જમણા હાથના અંગૂઠા ઉપર તર્જની સતત ફર્યા કરતી હોય, જાણે માળા ફેરવતા ન હોય ! ક્યારેક ડાબા હાથમાં પણ એ ક્રિયા ચાલતી હોય. (મુનિ જિનવિજયજીને પણ એવી ટેવ હતી. જીવ અને શિવના મિલનરૂપ એ મુદ્રા અને આંગળી ફેરવવાની એ ક્રિયા હઠયોગની દૃષ્ટિએ દીર્ઘાયુષ્યમાં સહાયરૂપ મનાય છે.)
કિશોરાવસ્થામાં શીતળા થવાને કારણે પંડિતજીના શરીરમાં ગરમી પુષ્કળ રહેતી. આથી ઘરમાં હોય ત્યારે ઘણુંખરું તેઓ ફક્ત ધોતિયું પહેરીને જ બેસતા. ધોતિયું ખાદીનું અને હંમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ર સહન કરી શકતા નહિ. બહાર જવું હોય ત્યારે ખાદીનું સાદું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કારણે પંડિતજીનું શરીર ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરીર ઉપર ઉંમર જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં એમને મળવા ગયો હતો ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા.
પંડિતજીના સાન્નિધ્યમાં મને હમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો. એટલે મારી તબિયત માટે તેઓ હમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, “આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.'’ સરિતકુંજથી આશ્રમ રોડ ૫૨ સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org