________________
૧૮૯
કાન્તિલાલ કોરા અધ્યાપકો, વગેરે જૈન સમાજના ઉચ્ચતર સ્તરની અનેક નામાંકિત વ્યક્તિઓ દેશ-વિદેશમાં કોરાસાહેબને પ્રેમથી સંભારતી રહેલ છે.
ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થયો ત્યારે પૂ. કોરાસાહેબનો પહેલવહેલો પરિચય થયો. મારો પહેલો જ અનુભવ કંઈક વિલક્ષણ હતો. વિદ્યાલયમાં પ્રવેશ મળ્યાનો પત્ર લઈને દાખલ થવા માટે હું ઑફિસમાં ગયો ત્યારે એક મુખ્ય મોટા ટેબલ પાસે બેઠેલા મોટી ઉંમરના સજ્જન તે ગૃહપતિ હશે એમ માનીને મેં એમને પત્ર આપ્યો. ત્યારે એમણે કહ્યું, “આ પત્ર મને નહિ, સાહેબને આપો.” એક નાના ટેબલ પાસે કોરાસાહેબ બેઠેલા હતા. મેં પત્ર તેમને આપ્યો. પણ હું મૂંઝવણમાં પડ્યો કે ઑફિસમાં વરિષ્ઠ અધિકારી જેવા સાહેબનું ટેબલ આટલું નાનું અને બીજા કર્મચારીનું ટેબલ આટલું મોટું એવું કેમ હશે? પણ પછીથી ખબર પડી કે ખુદ કોરાસાહેબ પોતે જ પોતાનું નાનું ટેબલ રાખીને કામ કરવામાં રાજી હતા. પછીનાં વર્ષોમાં તો કોરાસાહેબ ઑફિસમાં એક ખૂણામાં બારી પાસે પોતાનું નાનું ટેબલ રાખીને કામ કરતા. તેઓ પોતાના ટેબલ ઉપર ટેલિફોન પણ ક્યારેય રાખતા નહિ. એમને માટે કોઈનો ટેલિફોન આવ્યો હોય તો તેઓ ઊભા થઈને લેતા અથવા પટાવાળો એમને રિસિવર પહોંચાડતો.
કોરાસાહેબનો પહેરવેશ અત્યંત સાદો હતો. તેઓ ખમીસ, ધોતિયું અને કોટ પહેરતા. ધોતિયું તેઓ દક્ષિણી ઢબથી બેય બાજુ કાછડી વાળીને પહેરતા. તેમનો કોટ હંમેશાં ક્રીમ કલરનો કે આછા બદામી રંગનો રહેતો. ચંપલ પણ ઘણુંખરું ખાદી ભંડારના એક સ્ટાઇલના પહેરતા. કૉલેજમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારથી તે વિદ્યાલયમાં જોડાયા અને ત્યાર પછી જીવનના અંત સુધી આ એક જ પ્રકારનો પહેરવેશ એમણે ચાલુ રાખ્યો હતો. કોરાસાહેબે એમ.એ.નો અભ્યાસ ઝેવિયર્સ કૉલેજમાંથી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કરેલો. એ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હતી અને પ્રત્યેક વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રુપ ફોટો ઇતિહાસના વિભાગમાં ટાંગવામાં આવતો. હું પણ ઝેવિયર્સ કૉલેજનો વિદ્યાર્થી હતો એટલે એ ફોટાઓ મેં નજરે જોયેલા. એ વખતે એ ફોટામાં વર્ગના તમામ વિદ્યાર્થીઓ કોટપાટલૂન પહેરેલા જોવા મળતા ત્યારે એક માત્ર કોરાસાહેબનો ફોટો ધોતિયું, ખમીસ અને કોટ પહેરેલો જોવા મળતો. વસ્ત્રની આ સાદાઈ જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org