________________
૧૩૦
વંદનીય હૃદયસ્પર્શ
ઝવેરી ટોપી તરીકે ઓળખાતી ટોપી પહેરવાનું ચાલુ કર્યું હતું. માથે ટોપી, ફેંટો કે પાઘડી પહેરવાનો એ જમાનો હતો. ઉઘાડે માથે ઘરની બહાર જઈ ન શકાય એવી ત્યારે પ્રથા હતી. (ફક્ત ડાઘુઓ જ સ્મશાનમાં ઉઘાડે માથે જાય તો લોકો પૂછતા કે ઘરમાં કોઈ ગુજરી ગયું છે કે કેમ ?) આવી ગોળ કાળી ટોપી સૂરતમાં ત્યારે ‘ઝવેરી ટોપી' તરીકે ઓળખાતી. કેટલાક લોકો બેંગ્લોરી ટોપી પહેરતા, કેટલાક કાશ્મીરી ભરતવાળી ટોપી પહેરતા, કેટલાક લોકો સાદી, કાળી ટોપી પહેરતા. કેટલાક લોકો ખાદીની ગાંધી ટોપી પહેરતા. વિષ્ણુભાઈ સૂરતમાં પ્રચલિત એવી ઝવેરી ટોપી પહેરતા હતા, અને કૉલેજના વર્ગમાં પણ એ જ ટોપી પહેરીને જતા.
કૉલેજના અધ્યાપનકાળ દરમિયાન વિષ્ણુભાઈને એક વખત ટાઇફોઇડની ભારે માંદગી આવી હતી. તેમાંથી તેઓ જેમ-તેમ કરીને બચ્યા હતા, પરંતુ તેની અસર તેમના હૃદય ઉપર થઈ હતી. હ્રદય નબળું પડવાને કારણે તેમને વારંવાર શરદી, તાવ, દમ જેવા વ્યાધિ થઈ આવતા. ધૂળ, રજકણની તેમને એલર્જી રહેતી. શરીરમાં તેમને અશક્તિ ઘણી વરતાતી. પોતાને શરદી ન લાગી જાય એટલા માટે વિષ્ણુભાઈએ ટોપી પહેરવાનું છોડી દઈને માથે વળ વગરનો ફેંટો બાંધવાનું ચાલુ રાખ્યું હતું. કૉલેજમાંથી પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી અને તે પછી પણ બહાર જતી વખતે તે પહેરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. પગમાં ચંપલને બદલે મોજાં અને બૂટ પહેરવાનું તેમણે ચાલુ કર્યું હતું. મોજાં તો દિવસ-રાત એમના પગમાં હોય જ. તેઓ વર્ગમાં ભણાવવા જાય ત્યારે વિદ્યાર્થીઓને આપેલી સૂચના અનુસાર વિદ્યાર્થીઓ વર્ગની બારીઓ બંધ કરી દેતા. વિષ્ણુભાઈના દાખલ થયા પછી વર્ગનું બારણું પણ ઘણુંખરું બંધ થઈ જતું. કૉલેજમાં તેઓ પગથિયાં ધીમે ધીમે ચઢતા અને દાદર ચડવાનો આવે ત્યારે તેઓ દરેક પગથિયે વારાફરતી બે પગ મૂકીને આસ્તે આસ્તે ચડતા. પોતાને શ્વાસ ન ભરાઈ આવે તેની દરકાર રાખતા. કૉલેજના કમ્પાઉન્ડમાં તેમને કૉલેજ તરફથી નિવાસસ્થાન મળ્યું હતું. નિવાસસ્થાનથી કૉલેજ જતાંઆવતાં તેઓ સાવ ધીમે ચાલતા. ધૂળ કે રજકણ ઊઠે કે તરત તેમને એલર્જી થતી. કૉલેજ તરફથી એમના નિવાસસ્થાનમાં જ્યારે પણ સાફસૂફી કે રંગરોગાન કરાવવામાં આવે ત્યારે વિષ્ણુભાઈ બહાર હીંચકા પર બેસતા અને રાત્રે હીંચકા પર જ સૂઈ રહેતા. ઘરમાં દાખલ થતા નહિ. જમવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org