SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનીય હૃદયસ્પર્શ તેમની સ્પષ્ટ વાતચીતમાં મારી ઉપસ્થિતિનો તેમને કશો જ વાંધો નહોતો. તેઓએ ઉચ્ચારેલા અભિપ્રાયો મારી પાસેથી ક્યાંય જશે નહિ તેની પણ તેમને ખાતરી હતી. 02 પાછાં ફરતાં ઉમાશંકરે કહ્યું, “હું મુંબઈ આવું ત્યારે મન હળવું કરવા ઉમેદભાઈને અચૂક મળું. કેટલીક વાર જાહેરમાં કે બીજી કોઈ વ્યક્તિ પાસે કોઈ ઘટના કે વ્યક્તિ વિશે જે કોઈ અભિપ્રાય કે કોઈ માહિતી ઉચ્ચારી ન શકાય તે હું ઉમેદભાઈ આગળ અવશ્ય રજૂ કરું. મારી પ્રવૃત્તિઓ વિશે કે લખાણો વિશે બીજા સૌના પ્રશંસાત્મક અભિપ્રાયો જ હોય. ઉમેદભાઈ મને સાચી ટકોર કરી શકે. તે જાણવાને માટે પણ હું ઉત્સુક હોઉં. ઉમેદભાઈ યાદ રાખીને બધી જ વાતો કરે. સાહિત્યજગતના કે સામાજિક જાહેર જીવનના Under Currents ઉમેદભાઈ પાસેથી જાણવા મળે ત્યારે વસ્તુસ્થિતિ ઉ૫૨ વધુ પ્રકાશ પડે.’' ઇમરજન્સી વખતે ઉમાશંકર બહુ વ્યાકુળ રહેતા. મુંબઈમાં જૈન યુવક સંઘના ઉપક્રમે ત્રણ વ્યાખ્યાનો આપવા માટે એમણે મને સંમતિ પણ આપી હતી અને તારીખો પણ છપાઈ ગઈ હતી. પરંતુ ઇમરજન્સી જાહેર થયા પછી ઉમાશંકરે એ કાર્યક્રમ માટે ના પાડી હતી અને કહ્યું હતું કે, “જ્યાં સુધી ઇમરજન્સી છે ત્યાં સુધી હું જાહેરમાં બોલવાનું ટાળું છું, કારણ કે મુક્ત મનથી બોલી શકાતું નથી. મારા વક્તવ્યમાં સરકાર વિરુદ્ધ વાત આવવાની છે એવું નથી, પરંતુ વાણી ઉપર જાણે ભાર હોય તેવું લાગે છે.’ તે સમયે એમણે રાજ્યસભામાં પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. એ દિવસોમાં ઉમાશંકર કેટલા બધા સંવેદનશીલ હતા તેનો એક પ્રસંગ ઉમેદભાઈ મણિયારે કહ્યો હતો. ઉમાશંકર અને ઉમેદભાઈ વાલકેશ્વરના રસ્તા ઉપરથી ચાલ્યા જતા હતા, એવામાં સાઇરન વાગી અને ખબર પડી કે ઇન્દિરા ગાંધી એ રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. એ સમાચાર જાણતાં જ ઉમાશંકર ઝડપથી મુખ્ય રસ્તાથી થોડા દૂર ચાલ્યા ગયા. એ જોઈ ઉમેદભાઈ તો વિચારમાં પડી ગયા. ઇન્દિરા ગાંધીની મોટરગાડી પસાર થઈ ગઈ એટલે ઉમાશંકર પાછા આવ્યા. ઉમેદભાઈએ પૂછ્યું કે “તમે કેમ આમ કર્યું ?’’ ઉમાશંકરે કહ્યું, “જે બાઈએ આખા દેશની બુદ્ધિમત્તાનું અપમાન કર્યું છે, તે બાઈનો ચહેરો પણ આપણી નજરે શા માટે પડવા દઈએ ?” ઉમાશંકરની ઇમરજન્સીના વખતની સ્કૂલ અને સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy