________________
શ્રી વિજયનેમિસૂરિ મહારાજ
४४७
મહારાજશ્રીની સૂચના અનુસાર મુનીમ પનાલાલજીએ જોધપુર રાજ્યના મહારાજાને રક્ષણ આપવા માટે વિનંતી કરવા એક બાહોશ માણસને ચૂપચાપ રવાના કરી દીધો હતો. એ સમાચાર મહારાજાને મળતાં દીવાન જાલમચંદજીના પ્રયાસથી ઊંટ-સવારોની લશ્કરી ટુકડીને કાપરડાજી માટે તરત રવાના કરવામાં આવી. રાતને વખતે જ્યારે આ ધિંગાણું ચાલતું હતું ત્યારે રાજ્યનું લશ્કર આવવાની વાત જાણતાં જાટ લોકોએ ભાગાભાગ કરી. ઘણાખરા લોકોને પકડી લેવામાં આવ્યા. થોડી વારમાં તો હુમલાખોરોમાંથી કોઈ ત્યાં રહ્યું નહિ. સ્થાનિક જાટ લોકો પણ રડવા લાગ્યા. તીર્થમાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ. ગઢનાં બારણા ખૂલી ગયાં, અને બાકીની રાત્રી શાંતિપૂર્વક સૌએ પસાર કરી. બીજે દિવસે સવારે નિયત સમયે કારોદ્ઘાટનની વિધિ થઈ અને આવેલું અંતરાયકર્મ શાંત થતાં હર્ષોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા-મહોત્સવનો કાર્યક્રમ પૂરો થયો. ક્રમે ક્રમે શ્રાવકો વીખરાવા લાગ્યા અને કાપરડાજી તીર્થને રાજ્ય તરફથી રક્ષણ મળ્યું.
થોડા વખત પછી જાટ લોકોએ ચામુંડા માતા અને ભૈરવજીની માલિકી માટે અદાલતમાં દાવો કર્યો હતો, પરંતુ તેમાં તેઓ હારી ગયા હતા. કાપરડાનું જિનમંદિર દેવદેવી સહિત જેનોની માલિકીનું છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી એવો ફેંસલો અદાલતે આપ્યો. ત્યારથી કાપરડાજી તીર્થનો મહિમા ફરી પાછો વધવા લાગ્યો અને અનેક યાત્રાળુઓ ત્યાં નિર્વિઘ્ન યાત્રા કરવા આવવા લાગ્યા.
આમ મહારાજશ્રીએ કાપરડાજી તીર્થમાં પ્રાણાંત કષ્ટ વેઠીને પણ પુનરુદ્ધાર કરાવ્યો હતો. મહારાજશ્રીના હસ્તે આ એક મહત્ત્વનું ઐતિહાસિક કાર્ય થયું.
કાપરડાજીથી વિહાર કરી મહારાજશ્રી અમદાવાદ પધાર્યા અને વિ. સં. ૧૯૭૫નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ચાતુર્માસ પછી વિ. સં. ૧૯૭૬ના પોષ વદ ૧૧ના દિવસે અમદાવાદથી કેસરિયાજી તીર્થનો છ'રી પાળતો સંઘ મહારાજશ્રીની નિશ્રામાં કાઢવામાં આવ્યો. આ સંઘના ખર્ચની જવાબદારી અમદાવાદના શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઇએ લીધી હતી. અમદાવાદમાં શેઠ હઠીભાઈની વાડીએ આ સંઘના સંઘવીનું બહુમાન કરવામાં આવ્યું હતું. શેઠ સારાભાઈએ સંઘ સાથે પગે ચાલવાનો આગ્રહ રાખ્યો ત્યારે મહારાજશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org