________________
૩૯૪
પ્રભાવક સ્થવિરો
પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે. પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ “ધૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ કાવ્યકૃતિની પ્રશંસા કરી હતી, એવું ગિરધરભાઈ હીરાભાઈએ મહારજશ્રીના વિદ્વાન ભક્ત શ્રી મગનલાલ વખતચંદ પાસેથી સાંભળીને નોંધ્યું છે.
વિ. સં. ૧૯૦૮માં શ્રી વીરવિજયજી મહારાજ ૭૮ વર્ષના થયા હતા. એમના દીક્ષાપર્યાયને ૬૧ વર્ષ થવા આવ્યાં હતાં. એમની વૃદ્ધાવસ્થા ચાલતી હતી. એવામાં શ્રાવણ મહિનામાં એમની તબિયત લથડી. ઔષધોપચાર કરવામાં આવ્યા, પણ ખાસ કંઈ ફરક પડ્યો નહિ. પર્યુષણના દિવસો આવ્યા અને ગયા, પણ શરીર અસ્વસ્થ રહ્યા જ કર્યું. એટલું જ નહિ પણ વધારે અશક્ત થવા લાગ્યું. એમ કરતાં કરતાં વિ. સં. ૧૯૦૯ના ભાદરવા વદ ત્રીજના રોજ પાછલા પહોરે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. સંઘના બધા મોટા મોટા આગેવાનો તરત દોડી આવ્યા. શિબિકા તૈયાર કરવામાં આવી, એમનાં અંતિમ દર્શન કરવા માટે ભઠ્ઠીની પોળમાં હજારો માણસોની લાઈન લાગી. જૈન-જૈનેતર એમ “અઢારે વરણ'ના લોકો આવ્યા. એ દિવસે બજારોમાં હડતાલ પડી. એમની શિબિકાને જ્યારે લઈ જવામાં આવી ત્યારે એ જોવાને માટે અંગ્રેજ સાહેબો પણ પોતાની કચેરી બરખાસ્ત કરી રસ્તા પર આવી પહોંચ્યા. શ્રી રંગવિજયજી લખે છેઃ
સાહેબ જોવા આવિયા રે રાજ, કરી કચેરી બરકાશ રે. વેપાર ન કરે વાણિયા રે, મલિયા વરણ અઢાર રે.” આમ શ્રી વીરવિજયજીનાં અંતિમ દર્શન માટે ઊભે રસ્તે બંને બાજુ હજારો માણસો એકત્ર થયા હતા. એમની પાલખી નગર દરવાજા બહાર આવી અને સાબરમતી નદીમાં દૂધેશ્વરના આરે ચંદનકાષ્ઠની રચેલી ચિતામાં એમની શિબિકાને પધરાવવામાં આવી, અને અગ્નિદાહ દેવા માટે ઉછામણી બોલાવવામાં આવી. આ રીતે શ્રી વીરવિજયજીના પાર્થિવ દેહનો અંત આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org