________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૪૫
મૂર્તિપૂજક સંઘમાં થોડો ખળભળાટ મચી ગયો, કારણ કે ત્યાં અન્ય સંપ્રદાયોના સાધુઓમાં એક એવા સાધુનું ચાતુર્માસ નક્કી થયું હતું કે જેઓ મધુર કંઠે ગાતા હતા, સરસ વાકછટા ધરાવતા હતા અને બત્રીસ આગમસૂત્રોની ગાથાઓ ટાંકતા હતા. લોકો તેમની વાણીથી ખેંચાતા હતા. નગરમાં મૂર્તિપૂજક સંઘ લધુમતીમાં હતો. સંઘને ચિંતા એ વાતની થઈ કે રખેને પાછા થોડા લોકો સંઘ છોડીને અન્ય સંપ્રદાયમાં ભળી જાય. આથી સંઘના આગેવાનો ઉદયપુર યતિશ્રી આલમચંદજી પાસે પહોંચ્યા, પરિસ્થિતિ સમજાવી અને પાલીનગરમાં ચાતુર્માસ કરવા બહુ આગ્રહપૂર્વક વિનંતી કરી.
યતિશ્રીએ એમની ફરિયાદ અને વિનંતી સાંભળી લીધી, પરંતુ તેઓ પાલી જઈ શકે એમ નહોતા. એમણે આગેવાનોને કહ્યું કે, “તમે ચિંતા ન કરશો. હું એક એવા નવયુવાન સાધુ ઉપર ભલામણપત્ર લખી આપું છું કે જો તેઓ આવશે તો તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાની કોઈ હિંમત નહિ કરી શકે.”
યતિશ્રીએ મહારાજશ્રી ઉપર ચિઠ્ઠી લખી આપી. વિહારમાં તેઓ ક્યાં હતા તેની ખબર નહોતી, પણ આગેવાનો પૂછતા પૂછતા એમની પાસે પહોંચી ગયા. તેઓએ પાલીનગરમાં ચાતુર્માસ માટે પધારવાની આગ્રહભરી વિનંતી કરી. પરિસ્થિતિનો વિચાર કરતાં અને યતિશ્રીની ભલામણ હતી એટલે મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો.
મહારાજશ્રી આનંદસાગરજીએ વાજતે-ગાજતે પાલીનગરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. મહારાજશ્રીની દૂબળી કાયા અને નાની વય જોઈને અન્ય સંપ્રદાયવાળા હસવા લાગ્યા કે આવા સાધુ તે વળી શો પ્રભાવ પાડવાના હતા ? પરંતુ પહેલે જ દિવસે મહારાજશ્રીનું દોઢ કલાકનું પ્રવચન સાંભળી શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની ગયા. આ તો કોઈ મોટા જ્ઞાની મહાત્મા છે એવી લોકો ઉપર છાપ પડી.
મહારાજશ્રીએ ચાતુર્માસ વ્યાખ્યાન માટે “સ્થાનાંગ સૂત્ર પસંદ કર્યું. રોજેરોજ વ્યાખ્યાનની અવિરત વાગ્ધારાથી, મહારાજશ્રીના અગાધ જ્ઞાનથી અને ઘરગથ્થુ દૃષ્ટાંતો સાથે સમજાવવાની સરળ શૈલીથી નગરમાં એક જુદી જ હવા પેદા થઈ ગઈ. વ્યાખ્યાનમાં વખતોવખત સબળ શાસ્ત્રાધાર સાથે, તર્ક અને દલીલો સાથે મૂર્તિપૂજાની આવશ્કતા પણ સમજાવવામાં આવી. આ વાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org