________________
શ્રી અજરામર સ્વામી
૨૮૭
ગુણો એવા વિકસ્યા હતા કે જેન–જેનેતર એવા અનેક લોકો તેમના ચાહક બન્યા હતા.
અજરામરસ્વામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં આત્મબળ પણ ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક ચમત્કારના પ્રસંગો બને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે એક વખત અજરામર સ્વામી જામનગરથી કચ્છ જવા માટે માળિયા ગામે પધાર્યા. ત્યાંથી તેઓ રણ ઊતરીને વાગડ તરફ જતા હતા તે વખતે રસ્તામાં લૂંટારુઓની એક ટોળી મળી. અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે, પોતે બધા સાધુઓ છે અને તેમની પાસે કોઈ માલમિલકત નથી, તો પણ લૂંટારુઓએ તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને, બાકીનાં વસ્ત્રો, પાતરાંઓ, પોથીઓ વગેરે બધું આપી દેવા તોછડાઇથી હુકમ કર્યો. લૂંટારુઓ કોઈ રીતે માનવા તૈયાર ન હતા. તે વખતે પરિસ્થિતિ જોઈ અજરામરસ્વામીએ મંત્રોચ્ચાર કર્યો. એથી લૂંટારુઓ ચંભિત થઈ ગયા અને આંખે દેખતા બંધ થઈ ગયા. ગભરાઈ ગયેલા લૂંટારુઓ માફી માગવા લાગ્યા એટલે ફરી ક્યારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે અજરામર સ્વામીએ લેવડાવી હતી. પછી તો એ લૂંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા.
બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પોતાના શિષ્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલમાંથી એક સિંહ સામેથી દોડતો આવ્યો. તે વખતે શિષ્યો ગભરાઈ ગયા, પરંતુ સ્વસ્થતાપૂર્વક ચાલતા સ્વામીજીએ શિષ્યોને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું, એથી સિંહ ત્યાં જ બેસી ગયો અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને નિહાળતો રહ્યો હતો.
વિ. સં. ૧૮૪૬માં અજરામરજી સ્વામીએ બીજી વાર માળિયાથી વિહાર કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો હતો. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ થયાની વાત વહેતી થઈ હતી. અજરામરસ્વામી કચ્છના આ ગામમાં કોઈક શ્રાવકના ઘરના બહારના ભાગમાં ઊતર્યા હતા. રાત્રે તેઓ સંથારો કરતા હતા ત્યારે અંધારામાં એક માણસ આવતો તેમને દેખાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org