________________
૨૩૨
પ્રભાવક સ્થવિરો
થોડો શબ્દોચ્ચાર કર્યો. આ ચમત્કારથી વરદીચંદ્ર અને એમનાં પત્ની આનંદવિભોર થઈ ગયાં. વળી થોડી વારે બાળકે હાથપગ હલાવવાનું પણ ચાલુ કર્યું. આથી તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અપંગ બાળકે સાજા થતાં મહારાજશ્રી પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો અને મોટો થતાં સં. ૧૯૩૩માં એને જાવરામાં દીક્ષા આપવામાં આવી અને એમનું નામ “મોહનવિજય” રાખવામાં આવ્યું. મહારાજશ્રીના મુખ્ય સાધુઓમાં શ્રી મોહનવિજયજી હતા.
આ શ્રી મોહનવિજયજીને મહારાજશ્રી પાસે સંયમાદિની કેવી તાલીમ મળતી હતી તેનો એક પ્રસંગ નોંધાયેલો છે.
મહારાજશ્રીનું વિ. સં. ૧૯૩૪નું ચાતુર્માસ રાજગઢમાં હતું. મહારાજશ્રીના શિષ્યોમાં મુખ્ય એવા મુનિશ્રી મોહનવિજયજી ઘણુંખરું ગોચરી વહોરી લાવતા. મહારાજશ્રીએ એમને કડક સૂચના આપેલી કે સાધુઓના આચારને લક્ષમાં રાખી ખપ પૂરતો સૂઝતો આહાર ચોકસાઈ કરીને લેવો. તે પ્રમાણે તેઓ ગોચરી વહોરી લાવતા.
એક દિવસ તેઓ બંને ગોચરી વાપરવા બેઠા હતા. ત્યારે ગોચરીમાં એક કડવું શાક આવી ગયું હતું. મહારાજશ્રી તો એ શાક ખાઈ ગયા. પરંતુ મોહનવિજયજીથી એ શાક ખવાતું નહોતું. ખાતાં એમનું મોઢું બગડી જતું હતું. મહારાજશ્રીએ કહ્યું, “મોહન, ગવેષણાપૂર્વક વહોરેલી ગોચરીમાં જે આહાર મળે તે આપણે વાપરી લેવો જોઇએ. એમાં સ્વાદનો વિચાર ન કરાય. જેના સાધુને માટે એ જ ઉચિત છે.” ગુરુદેવની શિખામણ આજ્ઞા બરાબર હતી. મોહનવિજયજીએ પોતાના પાત્રમાં રહેલું બધું કડવું શાક વાપરી લીધું.
ગોચરી પછી તેઓ બંને સ્વાધ્યાય માટે બેઠા. એવામાં જે શ્રાવકના ઘરેથી કડવું શાક વહોર્યું હતું તે શ્રાવક દોડતા આવ્યા. વહોરાવતી વખતે ઘરનાં કોઈને ખબર નહોતી કે શાક કડવું છે. ખબર પડતાં બીજા શ્રાવકો પણ ઉપાશ્રયે દોડી આવ્યા. ત્યાં પહોંચીને ગુરુ મહારાજ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી.
મહારાજશ્રીએ કહ્યું કે “ગોચરી અમે બધાએ વાપરી લીધી છે. અમારે સાધુઓએ તો સ્વાદ પર વિજય મેળવવાનો હોય છે. જે ગોચરી આવે તે વાપરવાની હોય છે. અમે બધું કડવું શાક વાપરી લીધું છે. આમાં તમારો કોઈ દોષ નથી. એ માટે તમારે ચિંતા કે ખેદ કરવાની જરૂર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org