________________
ચંદ્રલેખા : "પિતાજી શું કહું ?" બેટા મારાથી છુપાવ્યા વિના કહે !” "પણ પિતાજી વાત મોટી છે. મારે સિંધ દેશના જાતવંત ઘોડા જોઈએ છે." "કેટલા જોઈએ છે? " "વધારે નહિ ફકત અગિયાર. પણ એક લાખ રૂપિયાનો એક છે." "એમાં શું વાંધો છે ? હમણા મંગાવી દઉં. તું ખુશ રહે" "ચોક્કસ લાવશો ને?" "હા બેટા ! હા .... પૈસાની કોઈ કમી નથી." દીકરીને રાજી રાખવા શેઠ બધું જ કરે છે.
શેઠે રાજાની અશ્વશાળામાં પણ ન હોય તેવા ઉત્તમ ઘોડા મંગાવ્યા અને વૃક્ષ સાથે બાંધ્યા. દરરોજ તેમના નોકરો ઘોડાઓને નદીકિનારે લઈ જઈ નવડાવે, પાણી પીવડાવે, લીલોછમ ચારો ખવડાવે. આવા સુંદર અશ્વોને જોવા ઘણા લોકો ભેગા થાય છે. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ધીરે ધીરે રાજા પાસે પણ પહોંચી. તેને પણ કૌતુક થયું. તે પોતાના રસાલા સાથે ઘોડા જોવા નદીકિનારે આવ્યો. ઘોડા જોતાવેંત તેને થયું, 'પોતાની ગતિ વડે જેઓએ ગરૂડ, પવન અને મનનું પણ અભિમાન ઉતારી નાખ્યું છે તેવા આ અશ્વો કોના હશે ?' તે અત્યંત આશ્ચર્ય પામ્યો. સરોવરની પાળે વૃક્ષની છાયામાં ઊભેલા, દેવલોકના ન હોય ! તેવા, જાતવંત ઘોડાને જોઈ કયા રાજપૂતનું મન હાથમાં રહે? તે દરરોજ આ ઘોડાને જોવા આવવા લાગ્યો. આ બધા સમાચાર ચંદ્રલેખાને મળ્યા.
એકવાર ચંદ્રલેખા પોતે ઘોડાની માવજત કરી રહી હતી ને રાજા ઘોડા જોવાની લાલચમાં ત્યાં આવી પહોંચ્યો. ટીકીટીકીને - એકીટશે નિહાળી રહ્યો. ચંદ્રલેખા બધું જ ધ્યાન રાખે છે. વિચારે છે કે, 'હવે માછલું જાળમાં આવી જ ગયું સમજો.' જ્યારે રાજા. વિચારે છે કે, આવા સુંદર અશ્વ રત્નો તો રાજદરબારમાં જ શોભે. આના વિના તો અશ્વશાળા શુન્ય જ લાગે.તેણે લોકો પાસેથી અશ્વોની માહિતી માગી. લોકોએ જણાવ્યું કે, "આ અશ્વો ચંદનદાસ શેઠના છે." તેણે મહેલે પહોંચી તરત ચંદનદાસ શેઠને દરબારમાં બોલાવવા તેડું મોકલ્યું. આ બધી વાતની નોંધ ચંદ્રલેખા લે છે, બધી ખબર રાખે છે.
"એવા બેખબર ન બનવું કે લોકો આપણી ખબર લઈ લે.”
રાજાની બગી શેઠને ઘેર આવી પહોંચી. શેઠને કહ્યું, "આપને રાજા દરબારમાં બોલાવે છે." વધુ પડતું માન શંકાનું કારણ છે. ચંદ્રલેખા સાવધાન છે. તેણે શેઠને કહ્યું "પિતાજી ! મને પૂછયા વિના રાજાજીને કોઈ વાત કરશો નહિ. જે પૂછે તેનો જવાબ મારા પર છોડજો ."
શેઠે તૈયારી કરી. રાજા ને જ્યોતિષી પાસે ખાલી હાથે ન જવું એ ન્યાયે રાજાને ધરવા ભેટયું પણ લીધું. બગીમાં બેઠા. લોકો જોઈ રહ્યા. શેઠને બગીમાં બેઠેલા જોઈ તરેહ તરેહની વાતો કરવા લાગ્યા.
મારતાનો હાથ પકડાય પણ બોલતાની જીભ ન ઝલાય. લોકોનું કામ નારદની જેમ પંચાત કરી બીજાઓને લડાવવાનું છે. નારદજી જ્યાં જાય ત્યાં લોકોને લડાવે. કોઈ ન મળે તો કૂતરાને ય લડાવે. લડાવ્યા વગર ચેન ન પડે. ખાધેલું ન પચે. એવું જ લોકોનું છે. કોણ રાંડયું ને કોનું માંડયું; એકની વાત બીજાને કરી, બીજાની વાત પહેલાને, બન્ને ય લડે ને લોકો રાજી થાય.
શેઠ દરબારમાં પહોંચ્યા. પાછળ લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ગુસપુસ ચાલે છે કે, "જાઓ જાઓ ! શેઠનું માન કેટલું વધી ગયું !” શેઠે રાજાને ભેટશું ધરી મુજરો કર્યો. રાજાએ પણ શેઠનું સ્વાગત-સન્માન કરી બેસવા આસન આપ્યું.
શેઠે પૂછયું, "સેવકને શા માટે યાદ કર્યો ?" રાજા : "પેલા ૧૧ ઘોડા તમારા છે ?" "જી સાહેબ”
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org