SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્માનંદજીને તેમના સાથેનો પ્રેમસંબંધ અને ધર્મસંબંધ ઘણાં વર્ષો સુધી રહ્યો. તેમની સરળતા, વાત્સલ્ય, કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ, પરોપકાર, લોકકલ્યાણની ભાવના અને ગુણગ્રાહકદષ્ટિએ મોહી લીધા. કોબા આશ્રમમાં સંત-કુટિરનું ઉદ્ઘાટન પણ તેમના વરદ હસ્તે થયેલું. તેમની કૅન્સરની બીમારીમાં તેમને નવરંગપુરા, અમદાવાદમાં રાખેલા ત્યારે પણ પૂજયશ્રી તેમની સુખાકારી પૂછવા જતા. હજુ પણ કોઈ કોઈ વાર ગોધમજી (તા. ઈડર) મુકામે તેમના સમાધિસ્થળની સંતકુટિરમાં જેસિંગબાવજીના હસ્તે મંગળ પ્રવેશ મુલાકાતે જાય છે અને થોડી મિનિટો સત્સંગ કરે છે. ક્ષત્રિય ધર્મનું પાલન - ઈ.સ. ૧૯૬૬ પછીનાં વર્ષોમાં ડૉ. સોનેજી બાપુનગર હૉસ્પિટલમાં સેવા આપતા હતા. એ સમયે એમના એક મદદનીશ ડૉક્ટર તરીકે ડૉ. રમેશભાઈ એસ. પરીખ હતા; જેઓ હાલ તેમના સુપુત્ર બાળરોગોના નિષ્ણાત સાથે વડોદરામાં રહે છે. એક દિવસ બન્ને ડૉક્ટર ઓ.પી.ડી.માં બેઠા હતા. એવામાં એક દર્દી આવ્યો અને ડૉ. સોનેજી જોડે અસહ્ય ગેરવર્તાવ કર્યો. લગભગ ઝઘડો જ કર્યો. તોય ડૉ. સોનેજી શાંત બેસી રહ્યા. આવા નાનામોટા અસહિષ્ણુતાના પ્રસંગો તો ડૉક્ટરના ધંધામાં આવ્યા કરે. દર્દીની ધીરજનો અભાવ, સ્વજનો પ્રત્યેની લાગણી, ખુદની અસ્તિત્વ માટેની લડાઈ – આ બધાંને કારણે ક્યારેક દર્દી મગજ ગુમાવી બેસે એવું બને. ડૉ. સોનેજીએ સ્વભાવથી જ આ બધું પચાવેલું હતું. એ જ સ્વસ્થતા, એ જ શાંતિ, એ જ કરુણાવાળું હાસ્ય. ક્યારેય ડૉક્ટરને ધીરજ ખોઈ બેઠેલા જોયા નહોતા. પણ આજે દર્દીએ હદ વટાવી દીધી. ડૉક્ટરને લાગ્યું કે આ તો નબળાઈ સમજી આપણા ઉપર હામી થવા જાય છે. ક્ષણનાય વિલંબ વિના ડૉ. સોનેજી ઊભા થઈ ગયા. સ્વમાન, ગૌરવ અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. દુન્યવી દૃષ્ટિએ આંખ લાલ કરી ગુસ્સાથી પડકારી તેને કહ્યું, ‘ભાઈ! તું એમ ન સમજતો કે કોઈ કાયર કે નિર્બળ જોડે વર્તી રહ્યો છે. હુંય ક્ષત્રિય બચ્ચો છું.' લગભગ બાંયો ચડાવીને કહ્યું, ‘તારે તાકાત અજમાવવી હોય તો આવી જા, હુંય બતાવી દઉં કે તાકાત કોને કહેવાય?’ એમનો આ અણધાર્યો શાબ્દિક હુમલો જોઈ પેલો તો ડઘાઈ જ ગયો અને ઢીલોઢફ થઈ ત્યાંથી બોલ્યા ચાલ્યા વિના રવાના થઈ ગયો. બ્રહ્મક્ષત્રિય તેજ પ્રગટ થયું ને મામલો ગાયબ. આપણને સ્વપ્નેય ખ્યાલ ન આવે કે, ડૉ. પરીખ જણાવે છે તેમ “અમે સાહેબ સામે જોયું તો એકદમ શાંત અને કરુણાના નવા અવતાર સમું તેમનું મુખારવિંદ હાસ્યસભર જણાયું.” જાણે કશું જ બન્યું ન હોય! કોઈ ખળભળાટ નહીં, કોઈ વિચલિતપણું નહીં. એ જ પૂર્વવત્ સ્વસ્થતા અને શાંતિ. જાણે કે કોઈ સંતનો પુણ્યપ્રકોપ હોય. દ્વેષ કે તિરસ્કારની છાંય નહીં. 108
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy