SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્વિક વિષય : સાત્વિક અધ્યયન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ એ જૈન દર્શનના ક્ષેત્રનું એક બહુ મોટું નામ છે. જ્યારે પણ જૈન દર્શનનો અને જૈન નવ્ય ન્યાયનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં શ્રી યશોવિજયજી મહારાજ બહુ મોટો હિસ્સો રોકશે તે નિ:સંદેહ છે. ઉપાધ્યાયજી મહારાજે કેટકેટલી દિશાઓમાં ખેડાણ કર્યું છે ! આગમોનાં અર્થગંભીર સૂત્રોના ઔદંપર્યો પામવાની ચાવી તેઓ બનાવી આપે, તો આગમો અને શાસ્ત્રોના તાત્ત્વિક તેમ જ દાર્શનિક પદાર્થોને નવ્ય ન્યાયની પરિભાષામાં પણ તેઓ જ ગૂંથી આપે; શબ્દ અને અર્થપ્રધાન અલંકારો, વિધવિધ રસો અને કાવ્યગુણો તેમ જ અકલ્પ કલ્પનાઓના સરસ-સુભગ સુમેળ દ્વારા અનાયાસ નીપજી આવેલાં તેમનાં સંસ્કૃત અને ગૂર્જર ભાષાનાં કાવ્યો જોતાં તેઓ એક પ્રગભ કવિ તરીકે ઊપસે, તો સાધુધર્મની છણાવટ કરતી તેમની કૃતિઓમાંથી પસાર થઈએ ત્યારે તેઓ એક આદર્શ સંયમી અને દઢ આજ્ઞારુચિ એવા સાધુપુરુષ તરીકે પ્રગટ થાય, અને નય, પ્રમાણ, નિક્ષેપ, સપ્તભંગી જેવા અનેકાંતદર્શનના મૌલિક પદાર્થોને લઈને છયે દર્શનોનું ખંડન-મંડન કરનારા તેમના ગ્રંથો વાંચીએ ત્યારે તેઓ એક પ્રચંડ સત્યશોધક દાર્શનિક પુરુષ તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થતા અનુભવાય. પણ, ઉપાધ્યાયજી મહારાજનું સૌથી શ્રેષ્ઠ યોગદાન તો આ : તેમણે, શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી હરિભદ્રસૂરિ જેવી, સદીઓથી લગભગ વિસારે પડેલી દર્શન અને યોગના માર્ગની વિભૂતિઓને તેમ જ તેમની અભુત ગ્રંથરચનાઓને જગતના ચોકમાં પુન: પ્રખ્યાત અને ચલણી બનાવી. આ કાર્ય માત્ર ઉપાધ્યાયજી જ કરી શકે. તેમની અનેક રચનાઓમાં, “જ્ઞાનસાર-અષ્ટક”માં પણ, આ બે મહાન દાર્શનિક આચાર્યોની આર્ષ વાણીના અંશોને તેમણે વણી લીધા છે. આવા મહાપુરુષે રચેલ, જ્ઞાન તથા યોગ માર્ગનાં રહસ્યોથી છલકાતા ગ્રંથ જ્ઞાનસાર-અષ્ટક' ઉપર રચાયેલ એક સરસ અને ચિંતનપ્રેરક અધ્યયનગ્રંથ શ્રી માલતીબહેન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, તે એક આનંદદાયક ઘટના છે. મારી સામાન્ય સમજ એવી રહી છે કે આજકાલ આપણાં વિશ્વવિદ્યાલયોમાં અનુસ્નાતક-ડૉક્ટરેટની કક્ષાએ અભ્યાસ અધ્યયનગ્રંથો કે શોધનિબંધો થાય છે તે મહદંશે સાવ સામાન્ય સ્તરના હોય છે. ક્યારેક તો આવું અધ્યયન એ પાર્ટટાઇમ જૉબ જેવું – આવક મેળવવાનું સાધન બની જતું હોય છે. અધ્યયન માટેનો તરવરાટ અને પોતે સ્વીકારેલા વિષયના ઊંડાણમાં તેમજ વ્યાપમાં જવાની – સમજવાની તથા સમજાવવાની – તત્પરતા જવલ્લે જ જોવા મળે છે. જો વ્યાપક વિદ્યાશાખાઓ પરત્વે આ સ્થિતિ હોય, તો જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયોની હાલત કેવી હોય ? મૂળે તો આવા વિષયો લઈને અધ્યયન કરનાર જ ન મળે ! ઊંડાણમાં જવા ન જવાની વાત તો પછીની વાત ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy