________________
પ્રકાશકીય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર-કૃત જ્ઞાનસારાષ્ટક પ્રકરણ ઉપરનો ડૉ. માલતીબહેન કિ. શાહનો આ અધ્યયનગ્રંથ પ્રકાશિત કરતાં અમારી સંસ્થા અત્યંત હર્ષ અનુભવે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી જન્મશતાબ્દી (સં. ૨૦૪૫)ની ઉજવણીને અનુલક્ષીને ૫. પૂ. જૈનાચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા ભાવના અનુસાર સ્થપાયેલ આ ટ્રસ્ટના ઉપક્રમે અનેકવિધ સાહિત્યિક તથા સંસ્કારપ્રેરક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં ગ્રંથપ્રકાશન, સાહિત્યિક પરિસંવાદો,
અનુસન્ધાન' નામે શોધ-સામયિકનું પ્રકાશન, મૂર્ધન્ય વિદ્વાનોને શ્રી હેમચંદ્રાચાર્ય ચન્દ્રક-પ્રદાન તથા વિદ્યાકીય શિષ્યવૃત્તિ-પ્રદાન ઇત્યાદિનો સમાવેશ થાય છે. ગ્રંથપ્રકાશન-યોજનાના અન્વયે અત્યાર સુધીમાં વિવિધ વિદ્વાનો દ્વારા સર્જિત કે સંશોધિત અનેક ગ્રંથોનાં પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળ્યો છે, જેમાં ડૉ.માલતીબહેન શાહનો આ ઉત્તમ કક્ષાનો મહાનિબંધને ગ્રંથ રૂપે પ્રકાશિત કરતાં અમે વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ ગ્રંથ વિશે તો અમે શું કહીએ ? એ તો તેના નિષ્ણાત અને અભ્યાસ વિદ્વજ્જનો કહે તે જ ઉચિત ગણાય. ડૉ. માલતીબહેન વિષે કહીએ તો તેઓ આપણા વરિષ્ઠ સાહિત્યકાર તથા સમાજચિંતક સદ્ગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના સુપુત્રી છે; પોતાના પિતાશ્રીએ આલેખેલા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસ(ભાગ ૧-૨)ના ગ્રંથોમાં તેમના મદદનીશ તરીકે રહીને ઇતિહાસ અને સંશોધનકાર્યની ઊંડી તાલીમ પામ્યાં છે; તેમણે “નગરશેઠ શાંતિદાસ ઝવેરી'નું ઐતિહાસિક-દસ્તાવેજી ચરિત્ર પણ લખ્યું છે; અને પોતાના લગ્ન બાદ પણ વિદ્યાધ્યયનની જ્યોત તેમણે સતત પ્રજ્વલતી રાખી છે, જેનો પુરાવો પ્રસ્તુત શોધગ્રંથ છે.
આવો સરસ ગ્રંથ લખવા બદલ ડો. માલતીબહેન શાહના તથા પ્રકાશનમાં સહયોગ આપવા બદલ ડૉ. કુમારપાળ દેસાઈના આભારી છીએ. પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી પ્રેમ રાવળે પ્રગટ કરેલી “જ્ઞાનસાર-ચિત્રપોથીમાંથી પુસ્તકના મુખપૃષ્ઠ માટે ચિત્ર લેવાની સ્નેહભાવે અનુમતિ આપી તે માટે તેઓના તથા મુખપૃષ્ઠ તૈયાર કરવા માટે પરિતોષ રજની વ્યાસના અમે આભારી છીએ.
લિ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી
સ્મૃતિસંસ્કાર શિક્ષણનિધિ
ટ્રસ્ટીગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org