________________
જૈન દર્શન : પરંપરા અને વિકાસ
ભારતીય તત્ત્વજ્ઞાનમાં જુદાં જુદાં દર્શનોના વિચારપ્રવાહો સદીઓથી ચાલ્યા આવે છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન વચ્ચેનો એક ભેદ એ છે કે ભારતમાં જુદાં જુદાં દર્શનોની પરંપરા સદીઓ પહેલાં સ્થપાઈ હોવા છતાં યુગે યુગે તે દર્શનની પરંપરા વિકાસ પામી છે; જ્યારે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ભારતીય તત્ત્વજ્ઞાનની જેમ કોઈ વિચારપરંપરા સદીઓ સુધી લંબાઈ હોય તેમ જણાતું નથી. અપવાદરૂપ બે-ત્રણ દાર્શનિકોના વિચારપ્રવાહો થોડાક લંબાયા હોવા છતાં તેનું ફલક ભારતીય તત્ત્વજ્ઞાન જેટલું વિશાળ નથી.
ભારતીય તત્ત્વજ્ઞાનની બીજી લાક્ષણિકતા એ છે કે તેમાં દર્શનશાસ્ત્રમાં જે દાર્શનિક વિચારો રજૂ થયા તેને રોજ-બ-રોજના જીવન સાથે વણી લેવાના પ્રયાસરૂપે પ્રચલિત બનેલ કેટલાક ધર્મો પણ ભારતીય સમાજજીવનમાં સદીઓથી ટકી રહ્યા છે. દા. ત. બૌદ્ધ દર્શનના વિચારોનું પ્રતિબિંબ બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે, જૈન દર્શનના સિદ્ધાંતોનું પાલન જૈન ધર્મમાં થતું જોવા મળે છે, વેદાંત કે સાંખ્ય દર્શન જેવા વૈદિક દર્શનશાસ્ત્રોના દાર્શનિક ખ્યાલો હિંદુ ધર્મના પાયામાં રહેલા જણાય છે. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં દાર્શનિક વિચારોને ધર્મ સાથે આવો વિશિષ્ટ સંબંધ ખાસ જોવા મળતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org