________________
32
(૬) અનુવાદની તક આપવા બદલ મુનિરાજ શ્રીભુવનચન્દ્રજી, માવજીભાઈ સાવલા તથા વસંતભાઈ દેઢિયાનો આભારી છું. આ અનુવાદ-ગ્રન્થનું પ્રકાશન જૈન સાહિત્ય અકાદમી દ્વારા થઈ રહ્યું છે, તે બદલ તેના કાર્યવાહકો શ્રીકીર્તિભાઈ વોરા અને શ્રી જેઠાભાઈ ગાલા વગેરેને ધન્યવાદ આપું છું. પ્રસ્તાવનારૂપે લેખ લખી આપનાર સંસ્કૃતજ્ઞ વિદ્વાન પ્રા. ડૉ. વિજય પંડ્યાનો, તેમજ માવજી સાવલાની ભલામણથી ટૂંકી પણ આવશ્યક નોંધ લખી મોકલનાર નાટ્યવિદ ડૉ. એલ.એલ ચિનિયારાનો આભાર માનું છું.
“મૂકવાચન' એ એક એવું કસોટીભર્યું કામ છે કે તેમાં ભલભલા થાપ ખાધા વિના નથી રહેતા. મારી પણ આ જ સ્થિતિ છે. પુસ્તકના મુદ્રિત ફર્મા આ પળે મારી સામે છે. તેમાંથી પસાર થતાં કેટલીબધી નાની નાની ભૂલો રહી ગઈ છે તે નજરમાં આવે છે, ત્યારે થોડોક ખેદ થઈ આવે છે. સુજ્ઞ જનો તે સુધારીને વાંચે તેવી અપેક્ષા. ખાસ તો, પદ્યાનુવાદોના ક્રમાંકોમાં ગરબડ રહી ગઈ છે. ક્યાંક અંક આપવા (લખવા) રહી ગયેલ છે. ક્યાંક આઘાપાછા કે બેવડાય તે રીતે અંક અપાઈ ગયા છે. તે પણ સુધારીને વાંચવા અનુરોધ છે. છન્દોનાં નામ દરેક સ્થળે આપવાં જોઈએ, પણ તેમ નથી થઈ શક્યું. તેથી આ પાનાંઓમાં અલગથી અંકાનુસાર પદ્યોનાં છન્દનામોની નોંધ આપવામાં આવે છે. જિજ્ઞાસુઓને તે ઉપયોગી થશે તેવી આશા. “રુચિરા”ના નામે પ્રયોજાયેલા છન્દનો હિસાબ ગુજરાતી પિંગળ સાથે હોવાનું સ્મરણમાં છે. અહીં વારંવાર તે પ્રયોજ્યો છે, પણ તેના નામમાં કે માત્રામેળના હિસાબમાં કાંઈ ભૂલ રહી હોવાનું કોઈને જણાય તો તે ભૂલ અનુવાદકની છે, તે પણ સ્પષ્ટતા કરવી ઠીક લાગે છે.
– શીલચન્દ્રવિજય
ફાગણ શુદિ ત્રીજ, સં. ૨૦૫૯ તા. ૬-૩-૨૦૦૩, બેંગલોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org