________________
હવેલીએ ગયા અને નીચેથી તેમને પડકાર્યા કે આમ કાયર થઈને એકેકનો ત્યાગ ન હોય, મારી જેમ સામટો ત્યાગ હોય; એ સાંભળીને શાલિભદ્ર બધું છોડીને તેમની સાથે ત્યાગના પંથે ચાલી નીકળે છે.
આ આખો પ્રસંગ ત્રિષષ્ટિમાં બહુ સુગ્રથિત રૂપમાં આ પ્રમાણે મળે છે :
પોતાના શિરે કોઈ સ્વામી છે એવી જાણકારીથી વ્યથિત શાલિભદ્ર તલ્લણ ભગવાન વીરપ્રભુ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. (સર્ગ ૧૦, શ્લોક ૧૦૬-૭-૮). રાજાની વિદાય બાદ, પોતાના ધર્મમિત્રના કહેવાથી તેની સાથે તે ૪ જ્ઞાનના સ્વામી એવા ધર્મઘોષ આચાર્ય પાસે ગયા, દેશના સાંભળી, પૂછ્યું કે કયું કામ કરીએ તો આપણા ઉપર બીજો કોઈ માલિક સ્વામી ન બને ? (માવત્ ! વર્મા ન, પ્રમુરચો ન નાયતે ?) ત્યારે આચાર્યે કહ્યું કે દીક્ષા લે તેના ઉપર કોઈ સ્વામી ન હોય; તે જ જગતનો સ્વામી ગણાય. ત્યારે શાલિભદ્રે કહ્યું કે તો હું માતાની અનુમતિ લઈને દીક્ષા લઈશ. (સર્ગ ૧૦, ૧૨૩-૨૬).
આ પછી તે ઘરે ગયા. માતાની અનુમતિ માગી. માતાએ સંયમની દુષ્કરતા વર્ણવી, પણ તે મક્કમ રહેતાં માતાએ ઘરે રહી ત્યાગનો અભ્યાસ કરવાપૂર્વક વ્રત લેવા કહ્યું. તેથી તેમણે રોજ એકેક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો - અભ્યાસ પડે માટે. આ વાતની ધન્ના શેઠને જાણ થતાં તેમણે “એ હીનસત્ત્વ ગણાય’ એમ બોલી તત્ક્ષણ સર્વત્યાગ કર્યો ને ચાલી નીકળ્યા, અને ભગવાન વીર પાસે પહોંચ્યા. એ વાત સાંભળતાં જ શાલિભદ્ર પણ બધું ત્યજીને નીકળ્યા અને શ્રેણિક રાજા વગેરે સાથે ભગવાન પાસે પહોંચી ગયા. બન્નેએ ત્યાં સાથે વ્રત સ્વીકાર્યું. (સર્ગ ૧૦, શ્લોક ૧૨૮૧૪૮). કેટલું તર્કસંગત અને ગળે ઊતરે તેવું નિરૂપણ છે !
બીજો પ્રસંગ અભયકુમારનો છે. પ્રચલિત કથાનક એવું છે કે અભયકુમાર પિતા પાસે દીક્ષાની અનુમતિ માગે છે ત્યારે શ્રેણિક કહે છે કે તારું કાળું મોં મને બતાડતો નહિ એવું હું કહું ત્યારે તું દીક્ષા લેજે; ત્યાં સુધી નહિ. એક પ્રસંગે રાજાને ચેલણાના શીલ માટે સંદેહ જાગ્યો અને તેણે આખું અંતઃપુર સળગાવવાની અભયકુમારને આજ્ઞા આપી. અભયે વિવેકભર્યું કાર્ય કર્યું. રાજા ગયા પ્રભુ પાસે. ત્યાં ભગવાને ચેલણાને મહાસતી ગણાવતાં રાજાને પસ્તાવો થયો. ઘેર પાછા ફરતાં માર્ગમાં મળેલા અભયને પૂછ્યું કે મારા આદેશનું પાલન કર્યું? અભયે હા પાડતાં ક્રોધે ભરાયેલા રાજાએ ‘તારું કાળું મોં મને બતાડતો નહિ” એમ કહ્યું અને તરત અભયકુમારે જઈને દીક્ષા લઈ લીધી.
ત્રિષષ્ટિમાં અભયકુમારની દીક્ષાનો પ્રસંગ અત્યંત સુઘડ અને તાર્કિક રીતે વર્ણવાયો છે. તેમાં રાજાનો રાણી પર સંશય, અન્તઃપુર સળગાવવાનો આદેશ, અભયકુમાર દ્વારા તેનું વિવેકભર્યું પાલન, રાજાનું ભગવાનને પૂછીને પાછા આવવું, અભયકુમાર સાથે સંવાદ અને ક્રોધભર્યા વેણ કે “તારી માતાઓને બાળી મૂક્યા પછી હજી તું જીવતો કેમ રહ્યો ? તારે પણ બળી મરવું હતું ને ?” અને તેના જવાબમાં અભયકુમારનાં આ સ્વસ્થ વચનો કે “દેવ ! અહંતનાં વચન મેં સાંભળ્યાં છે એટલે આમ બળી મરવા કરતાં અવસર પામીને વ્રત લેવાનું મને વધુ ગમશે; અને છતાં આપની આજ્ઞા થશે તો બળી મરતાં પણ વિલંબ નહિ કરું”—આમ આ પ્રસંગ આગળ વધે છે. પણ આમાં તે દીક્ષા લે તેવું ક્યાંય આવતું નથી. (સર્ગ ૭, શ્લોક ૨૬-૪૧).
પણ અગ્યારમા સર્ગમાં એક નવી જ વાત જોવા મળે છે. ત્યાં શ્રેણિક એકવાર પુત્ર અભયને બોલાવીને સૂચવે છે કે તું હવે રાજય સંભાળી લે (રાજા બન), હું વીરપ્રભુની ઉપાસના કરીશ; ત્યારે અભય, પિતાની આજ્ઞા લોપવી પડે તેવા ડર સાથે “આપની આજ્ઞા માન્ય છે, પણ હમણાં થોડીક ધીરજ ધરો.” એમ કહીને મુદત પાડે છે. (૩૦૯૧૦)
આ પછી અભયકુમાર વીરપ્રભુને પૂછીને અન્તિમ રાજ-ઋષિ કોણ થશે તે જાણે છે, અને ઉદાયન જો અન્તિમ રાજર્ષિ હોય તો પોતે રાજા થઈને દીક્ષા નહિ પામે તેવો નિશ્ચય થતાં જ, તે પિતા પાસે જઈને વિનંતિ કરે છે કે અન્તિમ રાજર્ષિ તો ઉદાયન થઈ ચુક્યા છે; હવે હું રાજા થાઉં તો રાજર્ષિ નહિ થવાય; અને મને ભવભ્રમણનો