________________
આ ગ્રંથમાં સર્વત્ર માત્ર અનુષ્ટ્ર, છંદ જ પ્રયોજાયો છે. પરંતુ ૩૨ અક્ષરોમાં કઠિનમાં કઠિન, લાંબી, ગહન, ગંભીર વાતને પણ અત્યંત લાઘવપૂર્ણ શૈલીથી, “થોડામાં ઘણું કહી દેવાની પદ્ધતિથી, આચાર્ય એવી તો કુશળતાપૂર્વક મૂકી હોય છે કે વાંચનારને ક્યાંય અધિક પરિશ્રમ કરવો ન પડે; અર્થ બેસી જાય અને વ્યુત્પત્તિ વિકસતી જાય.
અલંકારો, મુખ્યત્વે ઉપમા અલંકાર, તેની ચમત્કૃતિ કેવી હોય તે આ ગ્રંથમાં ઠેર ઠેર અનુભવાય. મોટાભાગના લોકો, આજે આ ગ્રંથને માત્ર સંસ્કૃત શીખવાનું અને વ્યાકરણના પ્રયોગો તથા વ્યુત્પત્તિ શીખવાનું સાધન બનાવીને જ વાંચે છે, વંચાવે છે કે ભણે છે. આવા લોકોને આમાં રહેલા પ્રસાદમધુર કાવ્યતત્ત્વની તથા અલંકારોની ચમત્કૃતિની અનુભૂતિ સાંપડવાની શક્યતા નહિવત્ છે. વ્યાકરણ શીખવું કે મહાપુરુષોનાં ચરિત્ર જાણવાં એ આ ગ્રંથ-વાંચનનું એક ધ્યેય અવશ્ય હોઈ શકે; પરંતુ તેનું વાસ્તવિક લક્ષ્ય તો આ ગ્રંથમાં ડગલે ને પગલે આવતા અવનવા શબ્દો, પ્રયોગો, રસછલકતાં અલંકારો તથા વર્ણનો અને તે બધાં દ્વારા નિષ્પન્ન થતા આલાદની સંતર્પક અનુભૂતિ જ હોય.
આ ગ્રંથમાં અનેક શબ્દો એવા પ્રયોજાયા છે, જે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં વિરલપણે જ પ્રયોજાયા - પ્રયોજાતા હોય છે. તો તેમના સમયમાં ચલણમાં હોય તેવા દેશ્ય શબ્દો અને સંસ્કૃત સાહિત્યમાં ન જડે તેવા શબ્દો પણ અહીં જોવા મળે છે. આ ગ્રંથને અંગ્રેજીમાં અવતારનાર બ્રિટિશ મહિલા વિદૂષી હેલન જહોન્સને એમના પ્રકાશનમાં ઘણા પરિશ્રમપૂર્વક, આવા દુર્લભ શબ્દોની એક સૂચિ આપી છે. શબ્દશાસ્ત્રીઓને માટે તે નિઃશંક ઉપયોગી બની રહે તેમ છે.
ઉપરછલ્લા અવગાહન થકી ઉપલબ્ધ થતી, આ તો, થોડીક બાબતો અહીં નોંધી છે. પણ સમગ્ર ગ્રંથનું તલસ્પર્શી અવલોકન-અધ્યયન કરીએ તો આવી તો અઢળક વાતો જડે, જે હૃદયને પુલકિત કરે અને જ્ઞાનને સમૃદ્ધ કરે.
ત્રિષષ્ટિ એ જૈન પરંપરાનો ગ્રંથ છે એટલે સ્વાભાવિક રીતે જ તેમાં જૈન ધર્મ અને તેની પરંપરા સાથે સંકળાયેલ સપુરુષોનાં ચરિત્રો, વૃત્તાન્તો તથા કથાનકો હોય, તેમજ જૈન શાસ્ત્રોની પરિભાષા પણ હોય. પણ જેમને જગતસાહિત્યના અભ્યાસમાં રસ પડતો હોય તેમને માટે આ પાત્રસૃષ્ટિ પણ ઘણી રસપ્રદ અને આ પ્રસંગાવલી પણ ઘણી આનંદદાયક બને એ નક્કી છે.
જૈન સાહિત્ય-કથાસાહિત્ય પણ સમુદ્રની જેમ અગાધ-અફાટ છે. જૈનોની બે ધારા : શ્વેતામ્બર અને દિગમ્બર. બન્ને ધારાના આચાર્યોએ અઢળક કથાસાહિત્ય રચ્યું છે. સંસ્કૃતમાં, પ્રાકૃત – અર્ધમાગધી, મહારાષ્ટ્રી, શૌરસેનીમાં, અપભ્રંશ ભાષામાં - અનર્ગળ સાહિત્ય રચાયું છે. તો પ્રત્યક્ષ રીતે કથાસાહિત્ય ન ગણાય તેવો ઇતર વિષયોના શાસ્ત્રગ્રંથોમાં મળતું કથાસાહિત્ય પણ અપાર છે. સ્વાભાવિક છે કે જુદા જુદા સમયગાળામાં રચાયેલ અને વળી જુદી જુદી કથા-પરંપરાને અનુસરતા આ સાહિત્યમાં પ્રાસંગિક ફેરફારો થતાં જ રહે. પાત્રોની વધઘટ થાય, પાત્રોનાં નામોમાં ફેરબદલી કે ઊલટપાલટ થાય, પ્રસંગોના પરિવેષ બદલાતાં રહે, સંવાદોમાં શાબ્દિક પરિવર્તનો આવે; ક્યારેક આખા પ્રસંગો જે રીતે પ્રચલિત હોય તે કરતાં અલગ રીતે જ આલેખાય – આવું બધું આ કથાસાહિત્યમાં થતું જ રહે છે, બલ્ક આમ થવું એ સહજ ગણાય તેમ છે. અભ્યાસી અધ્યેતા માટે આ એક ઘણો રસપ્રદ વિષય બને. કથાનકનો વિકાસ, કથાઘટકોનાં સ્વરૂપો તથા પરિવર્તનો, કથાપ્રસંગોના આલેખનના સમયની સાંસ્કૃતિક-સામાજિક-મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ, આ બધાનું અધ્યયન ઘણું રસદાયક બને.
- ત્રિષષ્ટિ ના સંદર્ભમાં એક બે ઉદાહરણો જોઈએ : ધન્ના-શાલિભદ્રની કથા જૈન સંઘમાં અત્યંત પ્રસિદ્ધ અને પ્રચલિત કથા છે. પ્રચલિત પ્રસંગ પ્રમાણે, રાજા શ્રેણિકના આગમન પછી, “મારા ઉપર પણ કોઈ સ્વામી ?” આવા પ્રશ્નથી પ્રેરાઈને વૈરાગ્યવાસિત થયેલા શાલિભદ્ર પ્રતિદિન એકેક સ્ત્રીનો ત્યાગ કરવા માંડ્યો. આની જાણ, પોતાની પત્ની અને શાલિભદ્રની બહેન સુભદ્રા દ્વારા થતાં, ધન્ના (ધન્ય) શેઠે તત્કાળ ચારિત્રના પંથે પ્રસ્થાન કર્યું, તે શાલિભદ્રની