________________
તો પછી એક પક્ષની એકતાનો વિચાર કરવો, એ માર્ગ વ્યાજબી લાગે છે. બુધવાર વર્ગમાં પણ વિચારભેદ ન રહેવો જોઈએ; તેની એકતા કાયમને માટે થવી જોઈએ.”
આ બધી વિચારણાઓવાતો કરીને એમણે શ્રીસંઘની વિનંતિ અનુસાર બુધવાર અંગેનો નિર્ણય લખીને શ્રી દેવસૂર સંઘને સુપ્રત કર્યો.
આ પછી સંઘની એકતા ખાતર લીધેલા નિર્ણયમાં શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ, શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ, શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ વગેરે ગુરુભાઈઓની સંમતિ મેળવી લીધી, અને એ રીતે આખા સમુદાયમાં એકવાક્યતા જાળવી.
આ પછી, ૨૦૧૩ના એ વર્ષે સમગ્ર એકતિથિપક્ષના શ્રીસંઘે ભાદરવા સુદ ચોથને બુધવારે મહાન ઉલ્લાસ સાથે સંવત્સરી મહાપર્વની આરાધના કરી.
(૩૧) સં. ૨૦૧૪નું મુનિસમેલનઃ અમદાવાદ આવવાનો નિર્ણય
વિ. સં. ૨૦૧૩ની એકપક્ષીય એકતાએ સંઘમાં આશાનો સંચાર કર્યો હતો. સંઘના આગેવાનોને સમગ્ર તપાગચ્છમાં તિથિ અને સંવત્સરીની એક સરખી આરાધના થવાની શક્યતાઓ જણાવા લાગી હતી.
નવા તિથિપક્ષના આગેવાન આચાર્યો અને શ્રાવકોની અંતરેચ્છા સમાધાન કરવાની હતી. એ માટે તેઓ યોગ્ય હિલચાલ અને વાટાઘાટો પણ ચલાવી રહ્યા હતા. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ પાલિતાણામાં શ્રી વિજયનંદનસૂરિજીને મળ્યા, ત્યારે તે બંને વચ્ચે ખૂબ સમજણપૂર્વક સંપ કરવાની વિચારણાઓ થઈ હતી; બાર પર્વતિથિની ક્ષય–વૃદ્ધિની નવી પ્રણાલિકા છોડી દેવાની ભાવના પણ એમણે વ્યક્ત કરી હતી.
પણ એ આચાર્યો અને શ્રાવકોની એ અંતરેચ્છાને સફળ થવા દેવી, એ એમના પોતાના હાથની વાત ન હતી; એ વાત એ આચાર્યોના અમુક મત-મંદાગ્રહી શિષ્યગણ તથા ભક્તગણના હાથમાં હતી. અને એને લીધે જેમની ભાવના સાચી હતી તેમને પણ પોતાની ભાવના ત્યજી દેવી પડતી હતી.
આમ છતાં, ૨૦૧૪ના પર્યુષણની આરાધના સકળ તપાગચ્છમાં એકસરખી થાય, એ માટેના વિચારો ગતિમાન થઈ ચૂક્યા હતા. બંને પક્ષના અમુક તત્ત્વો તરફથી થતી પત્રિકાબાજી અને ગાળાગાળીથી સંઘ ત્રાસી ઊઠ્યો હતો. કોઈ ઉપાયે એકતા થાય અને આ રોજિદા ક્લેશોનો અંત આવે, એમ ડાહ્યા માણસો ઉત્કટપણે ઇચ્છી રહ્યા હતા.
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org