SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક યુગને તેની આગવી ઉપલબ્ધિ પણ હોય છે, સમસ્યા પણ હોય છે. એ સમસ્યા તેમજ સમસ્યા પેદા કરનાર પરિબળો સામે ઝઝૂમનાર અને તે પરિબળોને માઝામાં રાખનાર શક્તિ પણ, આ બધાંની સાથે સાથે જ, પ્રગટતી હોય છે. વીસમા શતકના તપગચ્છ જૈન સંઘના સંદર્ભમાં આ બાબતને તપાસીએ તો, તિથિવિવાદ એ આપણા યુગની જટિલ સમસ્યા હતી. અને તેને પેદા કરનાર બેય તરફી પરિબળો પણ ભારે વિકટ ગણાય તેવાં હતાં. એની સામે, પોતાની મધ્યસ્થતા અને શાસ્ત્રપરંપરાનુસારિતાને સુદઢપણે જાળવી જાણીને, ઝઝૂમનાર શક્તિ એટલે ૫.પૂ. આચાર્ય શ્રીવિજયનન્દનસૂરિ મહારાજ. એમની હાજરી અને એમની હયાતી, તપગચ્છ સંઘ માટે એક ઢાલની અને એક છત્રની ગરજ સારનારી હતી. એમનો પોતાનો અલાયદો કોઈ પક્ષ કે મત ન હતો. શાસ્ત્રપરંપરાનો પક્ષ તે જ તેમનો પક્ષ હતો. વસ્તુત: શાસન, શાસ્ત્ર અને સંઘની મર્યાદા સામે યુદ્ધ અથવા બહારવટે ચડેલાઓને જેર કરવા, ફાવવા ન દેવા, એજ એમનું યુગ-કાર્ય કે જીવન-કાર્ય હતું. તે કાર્ય તેમણે કેટલું સુપેરે બનાવ્યું છે, તે આ ચરિત્ર વાંચનાર સુજ્ઞ જન બરાબર અનુભવી શકશે. એક વિદ્ધજજને મને પૂછેલું : “આ ચરિત્રમાં તો તિથિવિવાદની વાતો ઘણી આવે છે. એ ન રાખો તો ન ચાલે?' મેં કહેલું : “વિવાદ-તે પણ વરવો વિવાદ-આપણને ન ગમે તે સાચું જ છે. પણ જ્યારે આખાયે શાસનને-સંઘને, અમુક તત્ત્વો, અજુગતી રીતે વિવાદમાં હોમી દેતાં હોય ત્યારે જવાબદાર મનુષ્યનું કર્તવ્ય થઈ પડે છે કે સંઘને આ વિવાદમાં ખોટા પક્ષે તણાતો અને બરબાદ થતો બચાવવો. પૂજ્યશ્રીએ આ કર્તવ્ય જે રીતે સફળતાપૂર્વક બજાવ્યું છે તેનું જ બયાન આ પુસ્તકમાં છે. એને જો ટાળી દઈએ, તો આપણા યુગની મુખ્ય સમસ્યા પ્રત્યે અને તેનો નિકાલ કરનાર યુગ-શક્તિ પ્રત્યે આંખ આડા કાન ક્યનો દોષ વહોરવો પડે.” તિથિચર્ચાની વાત આવે એટલે ‘દેવસૂર સામાચારી ની વાત અચૂક સાંભરે. તપાગચ્છનો વર્તમાન મુનિગણ જે સામાચારી-મુખ્યત્વે તિથિવિષયક - આચરે છે, તે “દેવસૂર સામાચારી' તરીકે ઓળખાય છે. “દેવસૂર સંઘ”, “દેવસૂર તપાગચ્છ સંઘ' વગેરે શબ્દ પ્રયોગો પણ આ સામાચારીનો જ સંકેત આપનારા પ્રયોગો છે. સત્તરમા-અઢારમા સૈકામાં ભટ્ટારક વિજયસેનસૂરિ મહારાજ પછી તપગચ્છ સંઘ માં કેટલુંક કલુષિત વાતાવરણ પ્રવર્તેલું. તે પ્રસંગે ગચ્છમાં બે પટ્ટધર થયા, અને બન્નેના નામે બે શાખા પ્રવર્તી : આણંદસૂર (અણસૂર) તપાગચ્છ અને દેવસૂર તપાગચ્છ. પાછળથી બન્ને પક્ષોમાં સમાધાન અને એકીભાવ થતાં આણસૂર શાખા દેવસૂર શાખામાં ભળી ગઈ હતી, અને પછી એ એક જ શાખા - મુખ્યત્વે પ્રવર્તી હતી. આ બન્ને શાખાઓમાં એક મતભેદ તિથિવિષયક એ હતો કે આણસૂર પક્ષ પૂનમ-અમાસના ક્ષયે પછીની એકમ (પડવા) નો ક્ષય થાય તેવું સ્વીકારતો. જ્યારે દેવસૂર પક્ષ એકમનો નહિ, પણ તેરશનો ક્ષય થાય તેવું સ્વીકારતો. પરંતુ, બન્નેનું ઐક્ય થયા પછી તો દેવસૂર પક્ષની આચરણા જ વ્યાપક અને માન્ય ગણાઈ. તેથી આપણો સંઘ દેવસૂર સંઘ કે દેવસૂર તપગચ્છ સંઘ એવા નામે જાણીતો થયો, જે આજે પણ પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy