SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રોહીશાળામાં અંજનશલાકા કરાવવાની હતી, એટલે ઉપાશ્રયમાં પ્રતિમાઓ પડેલી. એ તરફ નજર જતાં જ એ બહેને પ્રશ્નો પૂછવા શરૂ કર્યા : “આ શું છે ?’’ શ્રી વિજયનંદનસૂરિજીએ ઉત્તર આપવા માંડ્યા : “ભગવાન છે.'' “આ તો મૂર્તિ છે; એને ભગવાન કેમ કહેવાય ?” “મૂર્તિમાં ભગવાનની સમાપત્તિ કરી છે, માટે એને ભગવાન કહી શકાય. અને એટલે જ એની પૂજા પણ કરી શકાય.” “સમાપત્તિ એટલે શું ?’’ ‘સમાપત્તિ એટલે એક વસ્તુમાં બીજી વસ્તુનો ઈચ્છાપૂર્વક થતો આરોપ.” “આરોપ એટલે ભ્રમ,” ગૂંચવણમાં મૂકે એવો સવાલ ઉપસ્થિત કરતાં નિર્મળાકુમારીએકહ્યું : “આ તો મૂર્તિમાં ભગવાનનો ભ્રમ થયો. ખરેખર તો એ ભગવાન ન જ ઠર્યા; માત્ર ભગવાનનો ભ્રમ જ રહ્યો. અને એમ હોય, તો એની પૂજાનું ફળ કશું જ ન હોઈ શકે. એટલે પૂજા કરવી પણ નિષ્ફળ છે.” આ ચર્ચા સાંભળવા આસપાસ મુનિમંડળ એકઠું થઈ ગયેલું. એમાંના અભ્યાસી મુનિઓને લાગ્યું કે આમાં વિજયનન્દનસૂરિજી ગૂંચવાઈ જશે. પણ, એમણે તો લાગલો જ જવાબ આપ્યો : “તમે કહો છો કે આ ભ્રમ છે, એ બરાબર છે. પણ, ભ્રમ પણ બે પ્રકારના હોય છે ઃ એક સંવાદી ભ્રમ; બીજો વિસંવાદી ભ્રમ. સંવાદી ભ્રમથી કરેલી પ્રવૃત્તિ સફળ હોય છે, ને વિસંવાદી ભ્રમથી થતી પ્રવૃત્તિ નીષ્ફળ નીવડે છે. જેમ, છીપલું પડ્યું હોય, એના ચળકાટને લીધે એને ચાંદી સમજીને કોઈ લેવા દોડે; પણ ત્યાં પહોંચતાં એને નિષ્ફળતા જ મળે.આનું નામ વિસંવાદી ભ્રમ. અને, એક ઓરડામાં એક તરફ દીવો બળતો હોય, બીજી તરફ ઝગારા મારતો મણિ પડ્યો હોય; મણિ અને દીવો, બંનેના પ્રકાશ એકબીજામાં મળી જતા હોય; એ વખતે કોઈ માણસ મણિને કે દીવાને જોયા વિના જ ફક્ત પ્રકાશ જોઈ ને દીવાને મણિ માની લે, અને મણિને દીવો સમજી લે, એનું નામ સંવાદી ભ્રમ. કેમ કે, આવા ભ્રમ વાળો માણસ મણિ મેળવવા માટે જ્યારે દીવાના પ્રકાશ તરફ જાય છે, ત્યારે એ જેને મણિ માને છે, એ વસ્તુ મણિ નથી (એ તો દીવો છે), અને છતાં ત્યાંથી એને મણિ મળે તો છે જ. એટલે એની પ્રવૃત્તિ તો સફળ બની જ, માટે જ એનો ભ્રમ સંવાદી કહેવાય. એ જ પ્રમાણે, અહીં પ્રતિમામાં પણ ભગવાનનો આરોપ કરાયો છે, એટલે ભ્રમ તો છે જ; પણ એ સંવાદી ભ્રમ સમજવો, એનું ફળ અવશ્ય હોય; નિષ્ફળ ન હોય.” આ ઉત્તર સાંભળીને નિર્મળાકુમારીનો વેદાન્તરસિક આત્મા ખૂબ કોળી ગયો. એ કહે : “આપ મારા ગુરુજી છો.’’ ખંભાતમાં નવાબશાહી હતી, ત્યારે ‘બાપટ’ કરીને એક પોલીસઉપરી હતા. એ પણ વેદાન્તના ભારે રસિયા. સૂરિસમ્રાટ ખંભાત હોય, ત્યારે એ અવારનવાર આવે, ને ખાસ કરીને શ્રીવિજયનન્દનસૂરિજી પાસે વેદાન્તની ચર્ચાઓ કરે. Jain Education International પદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy