________________
નહિ ભણો, નહિ ગણો, જ્ઞાનધ્યાન નહિ કરો તો મરીને ભરૂચના પાડા થશો!' એમની આ વાતનો ભાવ સમજીને એ વખતે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તો અત્યારે તમારી આગળ બે શબ્દો ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તો એટલુંય ન કરી શકત.”
અને, સાધુઓને ભણાવવામાં ને ચારિત્રપાલનની બાબતમાં સૂરિસમ્રાટ જેટલા કડક દીસતા, એટલા જ કોમળ તેઓ એમને સાચવવામાં, એમની સારસંભાળ કરતી વખતે બનતા. સાધુને ઊની આંચ ન આવે એની જેવી કાળજી એમને હતી, એવી કોઈને ન હતી. વજ સમું કઠોર છતાં ફૂલ જેવું સુકોમળ એમનું હૈયું હતું.
આવા હૈયાની હેતાળ હૂંફમાં મુનિ નન્દનવિજયજી ત્વરિત વિકાસકૂચ કરવા લાગ્યા. પોતાની તીવ્ર બુદ્ધિશક્તિના બળે સંસ્કૃત વ્યાકરણ, ન્યાયના તથા જૈન સિદ્ધાંતના પ્રાથમિક ગ્રન્થોનું જ્ઞાન એમણે મેળવી લીધું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાથમિક ગ્રન્થો તેઓ સ્વયમેવ આ ચોમાસામાં જ વાંચતા થઈ ગયા.
સં. ૧૯૭૧નું ચોમાસું જાવાલ અને ૧૯૭રનું સાદડીમાં રહ્યા. ત્યાં એમની શક્તિના વિકાસનું પહેલું ફળ નીપજ્યું : સ્તોત્રમાનુ નામે ગ્રન્થરૂપે. તીર્થંકરો, ગણધરો ને ગુરુવર્યોની સ્તુતિરૂપે સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્લોકબદ્ધ ગ્રન્થ એમણે સૂરિસમ્રાટને સોંપ્યો, ત્યારે સૂરિસમ્રાટના ચિત્તની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેઓએ અમદાવાદની શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાને પ્રેરણા આપીને એ ગ્રન્થ સત્વર મુદ્રિત કરાવ્યો; અને એમ કરીને દીક્ષા લીધા પછી ત્રીજા જ વર્ષે, પોતાના આચારોનું કઠોર પાલન કરવા સાથે પણ, જૈન મુનિ કેવી બુદ્ધિશક્તિ ફોરવી શકે છે, તેનો દાખલો સમાજ સામે રજૂ કર્યો.
આચારપાલન ને અધ્યયનની સાથે નંદનવિજયજીએ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ વગેરે ગુણો પણ ખૂબ ઉમદા રીતે કેળવ્યા. અને એથી ગુરુભગવંતની કૃપા ખૂબ સંપાદન કરી.
સં. ૧૯૭૩નું ચોમાસું ફલોધી રહ્યા. ત્યાં શરૂઆતના દિવસોમાં જ એકવાર ઓચિંતા સૂરિસમ્રાટે પૂછ્યું: “નંદન ! તું વ્યાખ્યાન વાંચીશ?”
હૈયે હોંશ ભરી હતી, નિર્દોષ સરળતા ભરપૂર હતી, બીકનું નામ નહોતું. એમણે તરત કહ્યું : “હા સાહેબ ! પણ શું વાંચું?”
સૂરિસમ્રાટ કહે: “ઉત્તરાધ્યયન-લક્ષ્મીવલ્લભી ટીકાવાળું વાંચ. તને મજા આવશે ને વ્યાખ્યાન તૈયાર થશે.”
‘તહત્તિ’ કહીને શરૂ કર્યું. બરાબર પંદર દિવસ વ્યાખ્યાન વાંચ્યું. પર્યુષણ આવ્યાં. સુરિસમ્રાટે પૂછ્યું: “નંદન! તારે કલ્પસૂત્રનું કયું વ્યાખ્યાન વાંચવું છે?” કહે: “પહેલું.”
હવે કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન કાયમ સૂરિસમ્રાટ જ વાંચે, પણ એમની હોંશ જોઈને એ ખૂબ ખુશ થયા. હા કહી, ને નંદનવિજયજીએ એ વાંચ્યું પણ ખરું.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
onal Use Only
www.jainelisry.org