________________
૪૩૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પરંપરામાં ઔસર્ગિક ત્યાગ અંશનું જ મુખ્ય વિધાન છે અને બીજું એ કે અગીઆરમી શતાબ્દી પછી પણ જેવું શ્વેતામ્બર પરંપરામાં વિવિધ પ્રકૃતિગામી સાહિત્યનું સર્જન થયું તેવું સાહિત્યનું સર્જન દિગમ્બર પરંપરામાં ન થયું. બ્રાહ્મણ પરંપરાના છલ આદિના પ્રયોગનું સમર્થન અને નિષેધ પહેલેથી જ અધિકારી વિશેષાનુસાર વૈકલ્પિક હોવાથી તેને પોતાની દૃષ્ટિ બદલવાની જરૂરત ન પડી.
(૫) પક્ષ, હેતુ, દષ્ટાન્ન વગેરે અનુમાનપ્રયોગના અવયવો છે. તેમાં આવનાર વાસ્તવિક દોષોનું ઉદ્ધાટન કરવું દૂષણ છે અને તે અવયવો નિર્દોષ હોવા છતાં પણ તેમના ઉપર અસત્ દોષોનું આરોપણ કરવું દૂષણાભાસ છે. બ્રાહ્મણ પરંપરાના મૌલિક ગ્રંથોમાં દોષોનું, ખાસ કરીને હેતુદોષોનું જ, વર્ણન છે. પક્ષ, દષ્ટાન્ત આદિના દોષોનું સ્પષ્ટ એવું વર્ણન નથી જેવું બૌદ્ધ પરંપરાના ગ્રંથોમાં દિનાગથી શરૂ કરીને વર્ણન છે. દૂષણાભાસના છલ, જાતિ રૂપ ભેદોનું તથા તેમના પ્રભેદોનું જેટલું વિસ્તૃત અને સ્પષ્ટ વર્ણન પ્રાચીન બ્રાહ્મણ ગ્રન્થોમાં છે તેટલું વિસ્તૃત અને સ્પષ્ટ વર્ણન પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં નથી અને ઉત્તરકાલીન બૌદ્ધ ગ્રંથોમાં તો તે નામશેષ માત્ર થઈ ગયું છે. જૈન તર્કગ્રંથોમાં જે દૂષણના ભેદ-પ્રભેદોનું વર્ણન છે તે મૂલતઃ બૌદ્ધ ગ્રન્થાનુસારી જ છે અને જે દૂષણાભાસનું વર્ણન છે તે પણ બૌદ્ધ પરંપરા સાથે સાક્ષાત્ સંબંધ ધરાવે છે. તેમાં જે બ્રાહ્મણ પરંપરાનુસારી વર્ણન ખંડનીયરૂપે આવ્યું છે તે ખાસ કરીને ન્યાયસૂત્ર અને તેની ટીકાઓ અને ઉપટીકાઓના ગ્રંથોમાંથી આવ્યું છે. એ અચરજની વાત છે કે બ્રાહ્મણ પરંપરાના વૈદ્યક ગ્રન્થોમાં આવતા દૂષણાભાસનો નિર્દેશ જૈન ગ્રન્થોમાં ખંડનીયરૂપે પણ ક્યાંય દેખાતો નથી.
આચાર્ય હેમચન્દ્ર બે સૂત્રોમાં ક્રમથી જે દૂષણ અને દૂષણાભાસનું લક્ષણ રચ્યું છે તેનું અન્ય ગ્રન્થોની અપેક્ષાએ ન્યાયપ્રવેશની (પૃ. ૮) શબ્દરચના સાથે અધિક સાદશ્ય છે. પરંતુ તેમણે સૂત્રની વ્યાખ્યામાં જાત્યુત્તર શબ્દનું જે અર્થપ્રદર્શન કર્યું છે તે ન્યાયબિન્દુની (૩.૧૪૦) ધર્મોત્તરીય વ્યાખ્યા સાથે શબ્દશઃ મળતું આવે છે. હેમચન્દ્ર દૂષણાભાસ તરીકે ચોવીસ જાતિઓનું તથા ત્રણ છલનું જે વર્ણન કર્યું છે તે અક્ષરશઃ જયન્તની ન્યાયકલિકા(પૃ. ૧૬-૨૧)નું અવતરણમાત્ર છે.
આચાર્ય હેમચન્દ્ર છલને પણ જાતિની જેમ અસદુત્તર હોવાના કારણે જાત્યુત્તર જ માનેલ છે. જાતિ હો કે છલ બધાંનું પ્રતિસમાધાન સાચા ઉત્તરથી જ કરવાનું કહ્યું છે, પરંતુ પ્રત્યેક જાતિનો અલગ અલગ ઉત્તર જેવો અક્ષપાદે પોતે આપ્યો છે તેવો તેમણે નથી આપ્યો.
૧. સરખાવો – ન્યાયમુખ, ન્યાયપ્રવેશ અને ન્યાયાવતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org