________________
પ્રસ્તાવના ગ્રન્થપરિચય
૧. આભ્યન્તર રૂપ
પ્રસ્તુત ગ્રન્થ પ્રમાણમીમાંસાનો બરોબર અને વાસ્તવિક પરિચય મેળવવા માટે એ અનિવાર્યપણે જરૂરી છે કે તેના આભ્યન્તર અને બાહ્ય સ્વરૂપનું સ્પષ્ટ વિશ્લેષણ કરવામાં આવે તથા જૈન તર્કસાહિત્યમાં અને તે દ્વારા તાર્કિક દર્શનસાહિત્યમાં પ્રમાણમીમાંસાનું શું સ્થાન છે, તે પણ દર્શાવવામાં આવે.
આચાર્યે જે દૃષ્ટિએ પ્રમાણમીમાંસાનું પ્રણયન કર્યું છે અને તેમાં પ્રમાણ, પ્રમાતા, પ્રમેય વગેરે જે તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તે દૃષ્ટિ અને તે તત્ત્વોના હાર્દનું સ્પષ્ટીકરણ કરવું એ જ આ ગ્રન્થના આભ્યન્તર સ્વરૂપનું વર્ણન છે. તે માટે અહીં નીચે જણાવેલા ચાર મુખ્ય મુદ્દાઓ ઉપર તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે – (૧) જૈન દૃષ્ટિનું સ્વરૂપ, (૨) જૈન દૃષ્ટિની અપરિવર્તિષ્ણુતા, (૩) પ્રમાણશક્તિની મર્યાદા અને (૪) પ્રમેયપ્રદેશનો વિસ્તાર.
૧. જૈન દૃષ્ટિનું સ્વરૂપ
ભારતીય દર્શનો પ્રધાનપણે બે વિભાગોમાં વિભાજિત થઈ જાય છે, કેટલાંક દર્શનો તો વાસ્તવવાદી છે જ્યારે કેટલાંક અવાસ્તવવાદી છે. જે દર્શનો સ્થૂલ અર્થાત્ લૌકિક પ્રમાણગમ્ય જગતને પણ તેવું જ વાસ્તવિક માને છે જેવું વાસ્તવિક સૂક્ષ્મ અર્થાત્ લોકોત્તર પ્રમાણગમ્ય જગતને, અર્થાત્ જેમના મતે વ્યાવહારિક અને પારમાર્થિક સત્યમાં કોઈ ભેદ નથી; સત્ય બધાં એક કોટિનાં છે ભલે માત્રા ન્યૂનાધિક હોય અર્થાત્ જેમના મતે ભાન ભલે ન્યૂનાધિક અને સ્પષ્ટ-અસ્પષ્ટ હોય પરંતુ પ્રમાણ માત્રમાં ભાસિત થનારાં બધાં સ્વરૂપ વાસ્તવિક છે, તથા જેમના મતે વાસ્તવિક રૂપો પણ વાણીપ્રકાશ્ય બની શકે છે – તે દર્શનો વાસ્તવવાદી છે. તેમને વિધિમુખ, ઈદમિëવાદી કે એવંવાદી પણ કહી શકાય — જેવાં કે ચાર્વાક, ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા, સાંખ્ય-યોગ, વૈભાષિકસૌત્રાન્તિક બૌદ્ધ અને માધ્વ આદિ વેદાન્ત.
જે દર્શનોના મતે બાહ્ય જગત મિથ્યા છે અને આંતરિક જગત જ પરમ સત્ય છે, અર્થાત્ જે દર્શનો સત્યના વ્યાવહારિક અને પારમાર્થિક અથવા સાંવૃતિક અને વાસ્તવિક એવા બે ભેદ કરીને લૌકિક પ્રમાણગમ્ય અને વાણીપ્રકાશ્ય ભાવને અવાસ્તવિક માને છે – તે દર્શનો અવાસ્તવવાદી છે. તેમને નિષેધમુખ અને અનેવંવાદી પણ કહી શકાય – જેવાં કે શૂન્યવાદી-વિજ્ઞાનવાદી બૌદ્ધ અને શાંકર વેદાન્ત આદિ દર્શન.
―
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org