________________
૧૨૬
અંગબાહ્ય આગમો બહુશ્રુતપૂજા:
માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ – આ પાંચ સ્થાનોને કારણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી (૩). નીચે લખેલાં ૧૪ સ્થાનોને કારણે સંયમી અવિનીત કહેવાય છે – સદા ક્રોધ કરનારો, પ્રકુપિત થઈને મૃદુ વચનો વડે શાંત ન થનાર, મિત્રભાવનો ભંગ કરનાર, શાસ્ત્રાભિમાની, ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરનાર, મિત્રો પર ક્રોધ કરનાર, પીઠ પાછળ નિંદા કરનાર, એકાંત રૂપે અસત્ય બોલનાર, દ્રોહી, અભિમાની, લોભી, અસંયમી, આહાર વગેરેનો ઉચિત ભાગ ન કરનાર અને અપ્રીતિ ઉત્પન્ન કરનાર (૬-૯). જે સદા ગુરુકુળમાં રહી યોગ અને તપ કરે છે, પ્રિયકારી છે અને પ્રિય બોલે છે, તે શિષ્ય ઉપદેશનો અધિકારી છે (૧૪). જેવી રીતે કંબોજ દેશના ઘોડાઓમાં આકર્ણને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેવી જ રીતે બહુશ્રુત જ્ઞાનીને સહુમાં ઉત્તમ માનવામાં આવે છે (૧૬). જેવી રીતે અનેક હાથણીઓથી ઘેરાયેલ સાઠ વર્ષનો હાથી બળવાન અને અજેય હોય છે, તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પણ અજેય હોય છે (૧૮). જેવી રીતે મંદર પર્વત પર્વતોમાં મહાન છે, તેવી જ રીતે બહુશ્રુત જ્ઞાની પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે (ર૯). હરિકેશીય :
ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલ હરિકેશબલ નામે ભિક્ષુ એકવાર ભિક્ષા માટે ભ્રમણ કરતાં કરતાં બ્રાહ્મણોની યજ્ઞશાળામાં પહોંચ્યા. તપથી સુકાયેલ તથા મલીન વસ્ત્ર અને પાત્રો વગેરે ઉપકરણોથી યુક્ત તેમને આવતા જોઈને અશિષ્ટ લોકો હસવા લાગ્યા અને જાતિમદથી ઉન્મત્ત બની, હિંસક, અસંયમી અને અબ્રહ્મચારી બ્રાહ્મણો ભિક્ષુને લક્ષ્ય બનાવી કહેવા લાગ્યા –
બિભત્સ રૂપવાળો, વિકરાળ, મલિન વસ્ત્રધારી, મેલાંઘેલાં વસ્ત્રો પોતાના ગળામાં લપેટેલો આ કોણ પિશાચ ધસી આવી રહ્યો છે?
બ્રાહ્મણોએ પૂછ્યું –
આટલો બદસૂરત તું કોણ છે ? કઈ આશાએ અહીં આવ્યો છે ? હે મલિન વસ્ત્રધારી પિશાચ ! તું અહીંથી ચાલ્યો જા. અહીં કેમ ઊભો રહ્યો છે?
આ સાંભળી હિંદુક વૃક્ષ પર રહેનારો યજ્ઞ અનુકંપાપૂર્વક મહામુનિના શરીરમાં પ્રવેશીને બોલ્યો –
હું શ્રમણ છું, બ્રહ્મચારી છું, ધન-સંપત્તિ અને પરિગ્રહ વગેરેથી વિરક્ત છું, એટલા માટે અનુદિષ્ટ ભોજન લેવા માટે અહીં આવ્યો છું.”
બ્રાહ્મણો – આ ભોજન બ્રાહ્મણો માટે બનાવવામાં આવ્યું છે, બીજા કોઈ માટે નહીં, આ ભોજનમાંથી તને કંઈ મળી શકે નહીં, પછી તું અહીં શા માટે ઊભો છે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org