________________
૧૩૮
અર્વાચીન જૈન જયોતિર્ધરો
જોડાયેલું રહેશે, મુંબઈની કૉલેજોમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવાખાવાની સગવડ મળી રહે એ માટે તેમણે ઈ. સ. ૧૯૧૬ની સાલમાં ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય ’ની સ્થાપના કરી હતી.
આ સંસ્થાના તેઓ પ્રારંભથી જ મંત્રી હતા; એટલું જ નહિ પણ પ્રાણપૂરક આત્મા હતા. આ સંસ્થાના વિકાસ માટે તેઓ અનેક અપમાનો સહીને, ઘેર ઘેર ફંડ માટે ફર્યા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમની ચોવીસે કલાકની ચિન્તાનો વિષય હતો. આજે આ સંસ્થા ખૂબ વિકાસ પામી છે અને તેની અનેક શાખા-પ્રશાખાઓ નિર્માણ થઈ ચૂકી છે. એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમંત ચિરંજીવી સ્મારક છે.
આવી જ રીતે શ્રી જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સને અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે જીવતી અને વેગવન્તી રાખવા માટે તેમણે અપાર પ્રયત્ન કર્યો છે. તેમના દિલમાં કૉન્ફરન્સ માટે ઊંડી લાગણી હતી. આ કૉન્ફરન્સમાં તેમણે ઘણા સમય સુધી અગ્રસ્થાને રહી કાર્ય કર્યું છે.
સમયના પરિવર્તન સાથે તેમના વિચારો અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થઈ રહ્યું હતું. અપ્રતિમ શ્રાદ્ધાળુ જૈન હોવા છતાં તેમજ તેમની ધર્મશ્રદ્ધા જીવનના અંત સુધી જળવાઈ રહી હોવા છતાં અનેક સામાજિક અને ધાર્મિક પ્રશ્નો પરત્વે તેમનું વલણ સમયના પરિવર્તન સાથે બદલાયું હતું. વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના આધારે પરિવર્તન ચાલુ રહેતું, તેમ છતાં સામાજિક કાર્યોમાં તેમનાં વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનકારક રહેતાં. તેઓની કાર્યપદ્ધતિ, વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપવાની હતી.
સમાજના વિવિધ કોટિના માણસો સાથે હળીમળીને ચાલવું, કોઈને લેશ પણ દુ:ખ ન થાય તેમ બોલવું કે વર્તવું એ તેમની સહજ વૃત્તિ હતી. જે સંસ્થાઓનું એમના હૈયે હિત વસ્યું હતું એ સંસ્થાઓનો ઉત્કર્ષ કેમ થાય અને આર્થિક લાભ કેમ થાય તે રીતે તેઓ સૌ સાથે કામ લેતા. બાંધછોડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વર્ગને સંભાળવો અને નવા વર્ગ સાથે સંપર્ક ચાલુ રાખવો એ તેમની કાર્યનીતિ હતી. કોઈ પણ શુભ કાર્યમાં-પછી તે કોમી હો, સાંપ્રદાયિક હો કે રાષ્ટ્રીય હો—પોતાથી બને તેટલા મદદરૂપ થવું આ તેમની જીવનએષણા હતી. તેમનું માનસ સતત વિકાસશીલ હતું. તેથી તેમની જાહેર પ્રવૃત્તિ પણ સતત વિકાસશીલ બની હતી.
જ્ઞાન-આરાધના અને સાહિત્યસેવા : જેવો ઉજજવળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જ્વળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું. તેમાં પણ જૈન સાહિત્ય તો તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સાહિત્યવાચનનો, બને તેટલા સામયિક પત્રો જોતાં રહેવાનો, તેમને નાનપણથી જ ખૂબ શોખ હતો. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ તરફ વળેલા હતા. સૌપ્રથમ તેમણે ‘જૈન ધર્મપ્રકાશ ’ નામના માસિકમાં લખવાનું શરૂ કરેલું; ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકો અવારનવાર પ્રગટ થવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org