________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
અહિંસાથી સ્વપર કલ્યાણ : તેમના પ્રવચનમાં હિન્દુ અને મુસલમાન બધા લોકો આવતા અને પ્રવચન સાંભળી દુર્વ્યસનોનો ત્યાગ કરી પોતાનું જીવન ધન્ય બનાવતા. ભારતની જનતાનું નૈતિક જીવન ઉન્નત બનાવવા અને અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા જૈન દિવાકરજી મહારાજે જે યોગદાન આપ્યું તે અવિસ્મરણીય છે. તેમણે પોતાના વ્યક્તિત્વથી અને પોતાની અસાધારણ વક્તૃત્વશક્તિથી મોટા મોટા રાણા, મહારાણા, અધિકારી, વિદ્વાન, શેઠ, શાહુકારને પ્રભાવિત કરી યથાશક્તિ જીવદયા તથા અહિંસાનો વ્યાપક પ્રચાર કર્યો. તે યુગમાં આ એક મહાન ચમત્કાર હતો. જૈન ધર્મમાં અહિંસાધર્મનું વિશુદ્ધ રૂપ બતાવ્યું છે. ભારતના સમસ્ત ધર્મપ્રચારકોએ પણ અહિંસા, દયા, કરુણા વગેરે પર ભાર મૂકયો છે; પરંતુ જેટલી સૂક્ષ્મતાથી જૈનાચાર્યોએ અહિંસાકરુણાનો પ્રચાર કર્યો છે તે ખરેખર અદ્ભૂત અને વંદનીય છે.
શ્રી જૈન દિવાકર ચોથમલજી મહારાજે જયાં પણ વિહાર કર્યો ત્યાં તેમનાં પ્રવચનોથી શાસવર્ગ પ્રભાવિત થઈ જતો અને તેમને ભેટ ધરવાની ઇચ્છા કરતો ત્યારે તેઓ કહેતા: “ત્યાગ કરો, દયા અને સદાચારના પ્રચારમાં સહયોગી બનો.' તેઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે પ્રાન્તોમાં વિહાર કરીને લોકોમાં અહિંસક બનવાનો સંદેશો ફેલાવતા રહ્યા.
વાણીના જાદૂગર : પરમ શ્રદ્ધેય શ્રી દિવાકરજી મહારાજ વાણીના જાદૂગર છે. તેમની વાણી શ્રોતાઓ પર અજબ પ્રભાવ પાડે છે. તેમની અનુભવવાણીથી શ્રોતાઓના મન પર ભારે અસર થતી અને તેમને જીવન સુધારવા માટે તત્પર કરી દેતી. તેમની વાણીથી કેટલાય લોકો હૃદયપરિવર્તન કરી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરતા થયા. તેઓએ પ્રવચનો દ્વારા વારાંગનાઓને સજ્જન નારીઓ બનાવી, શિકારીઓનાં શસ્ત્રો ફેંકાવી દીધાં, દારૂ અને બીડી-સિગારેટના વ્યસનીઓને નિર્વ્યસની બનાવ્યા તથા અધાર્મિકોને ધર્મની શીતળ છાયામાં આવતા કરી દીધા.
૧૩૪
સાચા સાંત – સારા વકતા : [ ઉપદેશ] જૈન દિવાકર શ્રી ચોથમલજી મહારાજ પોતાનાં પ્રવચનો સાદી સરળ ભાષામાં આપતા. તેઓ સદા સરળ વિષય પસંદ કરતા. ગંભીર અને દાર્શનિક પ્રશ્નો તેઓ એવી રીતે રજૂ કરતા કે શ્રોતાઓને ભારસ્વરૂપ પ્રતીત ન થાય. તેઓનાં પ્રવચનો એ કેવળ વાણી-વિલાસ નથી પણ જીવન-નિર્માણની કળા છે. તેમનાં પ્રવચનોમાં જૈન આગમનાં રહસ્યો, વૈદિક પરંપરાના ગ્રંથો, સુભાષિતો, પંક્તિઓ, ગાથાઓ અને ઉર્દૂની શાયરીઓ તથા સંગીતનો મધુર સમન્વય થતો હોવાથી શ્રોતાઓને કલાકો સુધી તે સાંભળતાં કંટાળો આવતો નહીં. પ્રવચનમાં કોઈ વાર જૈન લોકથાઓ અને બૌદ્ધકથાઓ આવતી, કયારેક સામાજિક કુરુઢિઓ પર, લોકધારણાઓ પર કટાક્ષ આવતા તો કોઈ વાર વીરરસની ગંગા પ્રવાહિત થતી. કોઈ વાર હાસ્યરસ તો કોઈક વાર શાન્તરસનો પ્રવાહ વહેતો. તેમના પ્રવચનમાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અઢારેય વરણના લોકો પોતાનો ભેદ-ભાવ ભૂલી ઉપસ્થિત થતા અને તેમની વાણીનો લાભ લેતા તેથી સમવસરણની રચના જેવું લાગતું હતું. તેમની વાણીમાં અમૃતનો અક્ષય સ્રોત વહેતો હતો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org