________________
३८
છે, અને જેમ જેમ પરમાત્માના ધ્યાનથી તેમના ગુણોનું ભાવભાસન ભક્તને થાય છે તેમ તેને તેમનું અલૌકિક માહાત્મ્ય અને પોતાની પરમ લઘુતા વેદનમાં આવે છે, અને લોકોત્તર નયગુણ તેનામાં પ્રગટે છે.
પરાભક્તિનું સ્વરૂપ : હવે પછીના ભક્તિના બે પ્રકાર તે ભક્તિની ચરમ સીમા છે. તેને પરાભક્તિ અથવા અનન્યભક્તિ કહે છે. કારણ કે તેમાં ભક્ત પોતાની ચિત્તવૃત્તિને ભગવાનમાં એવી તો લીન કરી દે છે કે જેથી ભક્ત ભક્તિ ભગવાનની ત્રિપુટીનો વિલય થઈ એકમાત્ર સહજાનંદદા જ રહી જાય છે. આ જ દશા જ્ઞાનીની અપરોક્ષ-અનુભૂતિ અને યોગીની નિર્વિકલ્પ સમાધિ તરીકે ઓળખાય છે.
આટલી કક્ષાએ પહોંચેલા જે ભક્ત હોય તેણે સમતારૂપી ભક્તિ સિદ્ધ કરી હોવાથી સર્વ જીવોમાં તેને સમદૃષ્ટિ જ રહે છે અને રાગદ્વેષનાં પરિણામ પ્રાયઃ થતાં નથી, તથા પોતાના પરમાત્મા સાથે એકતાનો તેને અનુભવ થયો છે તેથી પોતાથી જુદો પરમાત્મા હવે તેને માટે જાણે કે રહેતો જ નથી. અર્થાત્ આ દશાને સંપ્રાપ્ત થયેલા સાધકને સહજસમાધિની સિદ્ધિ છે, દેહાતીત દશાની પ્રાપ્તિ છે અને સર્વાત્મભાવની અનુભૂતિ છે.
ઉપસંહાર અને ભક્તિની પ્રેરણા : આ પ્રકારે જોઈ શકાય છે કે પ્રભુભક્તિ સાધકના આત્મવિકાસનું એક અનિવાર્ય અંગ છે. જેની સાધનાથી આત્મશુદ્ધિની અનેક શ્રેણીઓને પ્રાપ્ત કરીને સાધક જીવ છેક ઉપરની ભૂમિકાને સ્પર્શી શકે છે. વળી ભક્તિમાર્ગની સાધના બીજા માર્ગો કરતાં પ્રમાણમાં સરળ છે, સાદી છે અને પડવાનાં સ્થાનકો નહિવત્ છે. આવાં અનેક કારણોને લીધે જ સર્વ સંતમહાત્માઓએ અને ઋષિમુનિઓએ આ કાળમાં ભક્તિમાર્ગનું અવલંબન પોતે લીધું છે અને અન્ય સાધકોને પણ તે ભક્તિ અંગીકાર કરવા પરમ પ્રેરણા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org