________________
સંસ્કાર માનવસેવાનું માહાભ્ય (૧) પરોપકારની ભાવના આધ્યાત્મિક જીવનનો પાયો છે. જે સ્વાર્થી છે તેના જીવનમાં સાચી આધ્યાત્મિકતા પ્રગટી શકતી નથી. અન્ય મનુષ્યો અને પ્રાણીઓના દુ:ખને જોઈને, તેઓને થતી પીડા જાણે કે પોતાને જ થતી હોય તેવી કરુણાની ભાવનાથી પ્રેરાઈને, તેને પોતા-તુલ્ય ગણીને, સાધક પોતે અગવડ વેઠીને પણ બીજાને મદદરૂપ થાય છે. ચિત્તની આવી કોમળ અવસ્થા પ્રગટ્યા વિના સદ્ગુરુ-શાસ્ત્રનો બોધ અસર કરી શકતો નથી.
(૨) જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં, આપણા ઘરમાં કે આડોશ-પાડોશમાં સત્સંગનું આયોજન, ભક્તિનું આયોજન, ધર્મવાર્તા વગેરેનું આયોજન કરીને ધાર્મિકતાનું અને સામૂહિક સાધના કરવાનું એક વાતાવરણ ઊભું કરવું એ પણ એક ઉત્તમ પ્રકારનો પરોપકાર ગણી શકાય. આમ કરવું એ મુમુક્ષુનું કર્તવ્ય છે; જેથી બીજાઓને પણ ધર્મ કરવામાં ઉત્સાહ આવે છે અને યોગ્ય સાધન-સામગ્રી અને સગવડો મળી રહે છે.
(૩) જેણે આત્માર્થી થવું હોય તેણે સર્વ વિકારોને મંદ કરવા જોઈએ. દાનથી લોભારૂપી વિકાર મંદ થાય છે. વળી બીજા પ્રાણી, પશુપંખી અને મનુષ્યોને જીવનજરૂરિયાતની ચીજો મળી રહે છે અને તેમને સુખ-શાતા ઉપજે છે. આમ, દાનધર્મ એ પણ પરોપકારનો એક ઉત્તમ પ્રકાર છે.
(૪) નાનું કે મોટું, પરોપકારનું કોઈનું કોઈ કાર્ય દરરોજ કરવું જ એવો મુમુક્ષુએ નિયમ લેવો; અને તેનો દૃઢતાથી અમલ કરવો.
. s. ૨૬ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org