________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૩૨
આવા લૌકિક અને લોકોત્તર ગુણોથી અલંકૃત આ મહાપુરુષને સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે તેમના જીવનમાંથી રૂડી રૂડી વસ્તુઓને વિવેકપૂર્વક ગ્રહણ કરી આપણા જીવનને આપણે સદાચારી, પવિત્ર, પ્રજ્ઞાસંપન્ન અને સાધનામય બનાવીએ. તથાસ્તુ. ૐ શાંતિઃ
[૧૫] ભક્ત-કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ સર્વ જીવો સાથેનો મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, સુમધુર સ્વરસહિત ભક્તિગીતોનું પ્રસ્તુતિકરણ, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓથી પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રીનાનચન્દ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત થઈ ગયા.
જીવનપરિચય : પૂ. મહારાજશ્રીનો જન્મ સૌરાષ્ટ્રના સાયલા ગામમાં વિ.સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારના રોજ થયો હતો. પિતા પાનાચંદભાઈ અને માતા રળિયાતબાઈનું કુટુંબ ખાનદાન, ઉદાર અને સંસ્કારી ગણાતું. બાળપણનું નામ નાગરભાઈ હતું. નાની ઉંમરમાં માતપિતાની છત્રછાયાનો વિયોગ થવાથી ભાઈ-ભાભી સાથે રહેવાનું થયું. ભાઈનો પણ દેહવિલય થયો. નાગરભાઈને વૈરાગ્યભાવની ઉત્પત્તિનું નિમિત્ત મળી ગયું. વિ. સંવત ૧૯૫૭માં તેઓએ પૂ. શ્રી દેવચન્દ્રજી મહારાજ પાસે કચ્છના અંજાર ગામમાં દીક્ષા લીધી. લીંબડીના આઠ વર્ષના સ્થિરવાસ સહિત થોડાં વર્ષોમાં જ પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને બીજાં પણ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org