________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૦૬
તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો મનાય છે. તેમની પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેઓના જીવન અને બોધ ઉપરથી તેઓને ગૃહકાર્યમાં તંત્ર અનાસક્તભાવ હતો તેમ જાણી શકાય છે. સમસ્ત મનુષ્યો પ્રત્યેના તેમના પ્રેમથી, તેમની મધુર, હૃદયસ્પર્શી વાણી અને વાર્તાલાપોથી અને વિશિષ્ટ પુણ્યપ્રભાવથી જનતાના બધાય સ્તરના લોકો તેમના પ્રત્યે મોટી સંખ્યામાં આકર્ષાયા હતા.
કબીરજીને શાંતિમય અને સંતોષી જીવન પ્રિય હતું. દાનવૃત્તિ તેમનામાં નાનપણથી જ દૃષ્ટિગોચર થતી હતી. તે જમાનામાં પ્રવર્તમાન અનેક વિરોધાભાસી વિચારધારાઓ વચ્ચે રહીને પણ એક સત્યશોધક, ક્રાન્તિકારી પ્રયોગવીર તરીકે તેમણે મનુષ્યોનાં હૃદયોને જોડવાનો જ પ્રયત્ન કર્યો. જો કે દરેક મહાત્માની પેઠે તેમને અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું, તો પણ પોતાની સજનતા, સરળતા, સ્વચ્છતા અને પરમાત્મનિષ્ઠાથી તેઓ તેમાંથી હેમખેમ પાર ઊતર્યા અને જનસમાજમાં પ્રીતિ અને આદરને પાત્ર બન્યા.
કબીરજીની પ્રેરક વાણી : સાદી સરળ ભાષા અને સુંદર મનોહારી શૈલીમાં શોભતી તેમની પ્રેરક વાણી તેમના હૃદયમાંથી જ સીધી વહી રહી હોય તેવો ભક્ત-સાધકને અનુભવ થાય છે.
ભિન્ન-ભિન્ન સમયે તેઓએ કરેલો ઉપદેશ “બીજક' નામના ગ્રંથમાં સંગૃહીત થયેલો જોવામાં આવે છે, પરંતુ તેમાં પણ પાછળથી રચાયેલાં પદોને ઉમેરી દેવામાં આવ્યાં હોય એમ વિદ્વાનોનું માનવું છે. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયની હિંદી પરિષદે પ્રગટ કરેલી “કબીર-ગ્રંથાવલિ વિદ્વાનો દ્વારા તેમની સૌથી વધારે અધિકૃત રચના માનવામાં આવે છે, જેમાં બસો પદ, સાડા સાતસો સાખીઓ અને બીજાં પણ ઘણાં પદોનો સમાવેશ થાય છે. તેમના પછી થયેલા અનેક ભક્ત સંતોએ મુક્ત કંઠે તેમની પ્રશંસા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org