________________
સાધક-સાથી
આવીએ, તપાસીએ કે તેમના જીવનમાં આત્મજાગૃતિ કેટલી છે, કેવી છે, ક્યારે છે, કેવી રીતે પ્રગટ હોય છે અને શું ફળ આપે છે?
સાધક જ્યારે સંત થાય છે એટલે કે આત્મસાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચી જાય છે ત્યારે તેનું સમસ્ત જીવન એક વિશિષ્ટ દિવ્યતાથી વ્યાપી જાય છે. આમ બનવાનું કારણ એ છે કે તેણે દુષ્ટ એવી મોહગ્રંથિનો છેદ કર્યો છે તેથી તે ગ્રંથિભેદના કાયમી ફળરૂપે અમુક અંશની આત્મજાગૃતિ તેને રહ્યા જ કરે છે. જેમ કોઈ માણસ હાલ કમાતો ન હોય પણ ભૂતકાળમાં કમાયેલી મૂડી ઉપરના વ્યાજની રકમ દ્વારા તેને સતત આવક રહ્યા કરે છે તે ન્યાયે આત્મજ્ઞ સંતને પણ અવિદ્યાના નાશથી (અનંતાનુબંધી કષાયના અભાવથી) વિશિષ્ટ જાગૃતિ રહ્યા કરે છે. જો કે ગ્રંથિભેદનો નાશ થવાથી સંતનું વીર્ય ઉલ્લસિત થઈ ઉગ્ર આરાધનામાં પ્રવર્તે છે અને અનેક કષ્ટોને પણ ગણકારતું નથી અને તેથી તેમના જીવનમાં પ્રત્યક્ષપણે ઉત્તમ સાધકદશાનાં દર્શન થાય છે, તો પણ કોઈક સંતને બાહ્ય ચારિત્ર પ્રગટ થતાં વાર પણ લાગે છે. આમ, બાહ્ય ત્યાગ ન હોવા છતાં પણ સંતની આત્મજાગૃતિ વિશિષ્ટ જ હોય છે. પૂર્ણ આત્મજાગૃતિ
પૂર્ણ આત્મજાગૃતિની દશા તે તો મુનિદશા છે. આ અવસ્થામાં અહિંસા, સત્ય આદિ મહાન વ્રતોનું પાલન તો છે જ, પણ તે ઉપરાંત દુનિયાના બધાય પદાર્થોના આલંબન અને મમતાથી રહિત થઈ, સર્વ ચિંતાઓથી મુક્ત થઈ જ્ઞાન અને ધ્યાનથી સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર ઉદ્યમ કરવામાં આવે છે. સમતાનો વિશિષ્ટ વિકાસ થયો હોવાથી અને “સબ ભૂમિ ગોપાલકી’ એ વાત અંતરમાં વસી હોવાથી તેઓ અમુક જ જગ્યાએ રહીને સાધના કરવી તેવા પ્રતિબંધને સ્વીકારતા નથી. આનાથી પણ આગળ જઈને, જેની પ્રાપ્તિ માટે વર્તમાનમાં કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેવું પૂર્વપ્રારબ્ધથી મળેલું જે આ શરીર, તેની મમતાનો પણ ત્યાગ કરી આત્મજાગૃતિના સતત અને ઘનિષ્ઠ અભ્યાસ દ્વારા મુનિજનો એક એવી અલખ જગાવે છે કે જેથી વર્તમાન જીવન આત્માના આનંદથી તરબોળ થઈ જાય છે, આજુબાજુ પણ પરમ શાંતિ, શીતળતા અને પવિત્રતાનું વાતાવરણ બની જાય છે અને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રભાષામાં આવી દશાને અભક્ષ્મ જ્ઞાનોપયોગ, અપ્રમત્ત સંયમ, સહજસમાધિની દશા અથવા સ્થિતપ્રજ્ઞતા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org