________________
૩૧૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ “સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગ માત્રને જાણનારો પુરુષ જ્ઞાનમાત્રથી સુખી થતો નથી” આ પ્રમાણેનું ક્રિયાવાદી દ્વારા હમણાં જ કરાયેલ જે કથન છે તેના વડે તે જ્ઞાનવાદીની વાત ખંડિત થઈ જાય છે. જો જ્ઞાનમાત્ર ફળપ્રદ થતું હોય તો સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગના જ્ઞાનવાળો પુરુષ તે વસ્તુઓની ભોગ ક્રિયા કર્યા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી પણ સુખી થવો જોઇએ. પરંતુ ભોગ ક્રિયા વિના સુખી થતો નથી. માટે કેવળ એકલું જ્ઞાન ફળપ્રાપ્તિ કરાવનાર નથી. આવા પ્રકારનું ક્રિયાવાદી વડે પૂર્વે જે કહેવાયું હતું. તેના વડે જ જ્ઞાનવાદીની વાત દૂર થઈ જાય છે. આ કારણથી એકાન્ત જ્ઞાનવાદીનો મત ઉપેક્ષા કરવા જેવો છે. તેથી જ આપોઆપ સ્વયં સમજાઈ જ જાય છે કે સમ્યજ્ઞાન પણ સમ્યક્રિયા યુક્ત હોય તો જ ફળસિદ્ધિનું કારણ બને છે. પરંતુ જ્ઞાનનો એકાન્ત માર્ગ ફળ આપનાર બનતો નથી. તેથી એકાન્ત જ્ઞાનવાદ રમણીય નથી.
એવી જ રીતે ક્રિયાનો એકાન્તમાર્ગ પણ નિર્દોષ નથી, ભ્રાન્ત જ છે. કારણકે ક્રિયાવાદીએ પૂર્વે જે કહ્યું કે : સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગને જાણનારો પુરુષ (ભોગની ક્રિયા કર્યા વિના) વૃદ્ધિ પામતો નથી. પરંતુ ક્રિયા જ ફળ આપે છે. ઇત્યાદિ જે કહ્યું તે યુક્ત નથી. કારણકે જ્ઞાન વિનાની કેવળ એકલી ક્રિયા પણ વિવેકશૂન્ય, સાધ્યના લક્ષ્ય શૂન્ય, હોવાથી ફળ આપનાર બનતી નથી. તેથી ક્રિયાવાદીએ આપેલો આ ઉપાલંભ જે લોકો કેવળ એકલા જ્ઞાનમાત્રને જ ફળ આપનાર માને છે તેને અર્થાત્ સમ્યજ્ઞાન માત્ર જ મુક્તિનું કારણ છે એવું માનનારા એકાન્તવાદીઓને ઘટે છે. પરંતુ અમને (ઉભયવાદી જૈનોને) આ ઉપાલંભ સંભવતો નથી. કારણકે અમે તો પરસ્પર અપેક્ષાવાળાં એવાં એટલે કે સાપેક્ષ સમ્યજ્ઞાન અને સાપેક્ષ સમ્યકક્રિયાને મુક્તિના કારણ તરીકે સ્વીકાર્યા છે. પરંતુ સ્વતંત્ર એવાં કોઈ એકને ફળ પ્રાપ્તિમાં કારણ માન્યાં નથી. તેથી સાપેક્ષપણે ઉભયવાદ માનનારા અમને કોઈ દોષ નથી.
કદાચ તમે એવો પ્રશ્ન કરશો કે સ્ત્રી અને મોદકાદિ ભક્ષ્ય વસ્તુઓનું કેવળ એકલું (ભોગક્રિયા વિનાનું) જ્ઞાન સુખ આપનાર બનતું નથી. પરંતુ જ્ઞાન વિનાની (વિશિષ્ટ સમજણ વિનાની) કેવળ એકલી ભોગક્રિયા ફળ આપનારી દેખાય છે. તો તે પણ બરાબર નથી. કારણકે નિતંબિકી (સ્ત્રી) અને મોદકાદિ ભક્ષ્ય વસ્તુઓના વિષયવાળી ભોગક્રિયાની પ્રવૃત્તિમાં પણ તેના સંબંધી વિજ્ઞાન સર્વથા નથી જ અને કેવળ એકલી ભોગક્રિયા જ છે અને તે ક્રિયા જ સુખ આપે છે એવું કેવળ બનતું નથી. કે જેથી તમે કેવળ એકલી ક્રિયામાત્રને જ સુખની કારણતા કલ્પી શકો. પરંતુ તે તે વિષયના જ્ઞાન યુક્ત જ ત્યાં ત્યાં કરાતી પ્રવૃત્તિ પ્રીતિની પરંપરાને (અતિશય ભોગસુખના આનંદને) આપવામાં સમર્થ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org