________________
પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર
અનેક સંતો, લેખકો, કવિઓ અને મહાત્માઓને જન્મ આપનારી એવી ગુજરાત દેશની ભૂમિ પરમ પવિત્ર ગણાય છે. તે દેશમાં મહુડીની પાસે વીજાપુર નામનું એક સુંદર ગામ છે. તેમાં વિક્રમ સંવત ૧૯૩૦ મહા વદ ચૌદસ (શિવરાત્રી)ના દિવસે આ મહાત્માનો જન્મ થયો હતો. પટેલોના મહોલ્લામાં રહેતા શિવદાસભાઇ પટેલ અને અંબાબાઇ આ મહાત્માનાં માતા-પિતા હતાં. પુત્રજન્મથી માતા-પિતા અત્યન્ત આનંદિત થયાં. આ પટેલ ભાઇને ઘેર ગાયભેંસ વિગેરે પશુધન હતું. તે પશુ ધનનાં દહીં-દૂધ અને છાશ ગામલોકોને આ પરિવાર પ્રેમથી અને ઉદારતાથી આપતું.
એક વખત ખેતરમાં કામ કરતાં માત-પિતાએ બાળકને ઝાડની બે ડાળીઓ વચ્ચે ખોળીયું કરીને સુવડાવેલ. એટલામાં એક કાળો નાગ તે ડાળીઓ ઉપર ખોળીયા પાસે આવ્યો. બાળક ઉપર ફણા રાખી તડકાથી રક્ષણ કરતો હતો. અંબાબાઇની ત્યાં નજર પડી. માતા અતિશય ગભરાઇ ગયાં. બહુચરાજી માતાની બાધા રાખી, નાગ થોડા ટાઇમ પછી ચાલ્યો ગયો. પરંતુ અંબાબાઇના મનમાં અત્યન્ત શ્રદ્ધા થઇ ગઇ કે, બહુચરાજી માતાએ બાળકને બચાવ્યો. તેથી તે બાળકનું નામ બહેચરભાઇ પાડ્યું. ધીરે ધીરે આ બહેચરભાઇ મોટા થવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org