________________
મહેસાણા અને વીરમગામ • ૭૧ વળી, શ્રી વિજયવલ્લભસૂરિજીએ દરખાસ્ત મૂકી કે પંડિતજી જો એમના કેટલાક શિષ્યોને મહેસાણાની પાઠશાળામાં રહીને અભ્યાસ કરાવી શકે એમ હોય તો તેઓ એ શિષ્યોનો વિહાર મહેસાણા તરફ કરાવે. પંડિતજીએ આગલા વર્ષના અનુભવની વાત કરી અને પોતાના કેન્દ્રમાં સાધુઓ આવે તો જ ભણાવવાના સંકલ્પની વાત કરી. શ્રી વિજયવલ્લભસૂરિજીએ કહ્યું કે પંડિતજીની સ્વતંત્રતામાં કોઈ બાધા નહિ આવે. વળી એ શિષ્યોના સ્વભાવથી પંડિતજી પરિચિત છે. એટલે છેવટે પંડિતજીએ એ દરખાસ્ત સ્વીકારી લીધી કે જેથી મહેસાણાની સુપ્રસિદ્ધ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહેવાભણાવવાનો પોતાને પણ અનુભવ મળે. પણ વિશેષ એક કારણ તો એ હતું કે મુનિશ્રી જિનવિજયજી પણ ત્યાં મહેસાણા ભણવા આવવાના હતા. પંડિતજીએ મુનિશ્રી જિનવિજયજીનું નામ સાંભળ્યું હતું. એમની સાથેના પત્રવ્યવહારથી એમને માટે માન પણ થયું હતું. એટલે મહેસાણા જવાની આ દરખાસ્ત એમણે સ્વીકારી લીધી.
પંડિતજીએ મહેસાણામાં શેઠ શ્રી વેણીચંદ સુરચંદની પ્રેરણાથી સ્થપાયેલી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ભણાવવાનું સ્વીકાર્યું એથી એમને અને વિદ્યાર્થીઓને ઘણો લાભ થયો.
મહેસાણાની પાઠશાળામાં જે કેટલાક સાધુઓ પંડિતજી પાસે ભણવા આવ્યા હતા તેમાં શ્રી વિજયવલ્લભસૂરિજીના એક મુખ્ય શિષ્ય તે શ્રી લલિતવિજયજી હતા. બીજા હતા મુનિ શ્રી જિનવિજયજી. પંડિતજી તેઓને સવારે અને સાંજે મળી સાતેક કલાક ભણાવતા. આ પાઠશાળામાં તૈયાર થયેલા તે કાળના ત્રણ મોટા પંડિતો તે પંડિત ભગવાનદાસ હરખચંદ, પંડિત હીરાચંદ અને પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ. એમાં પંડિત ભગવાનદાસ લગભગ સમવયસ્ક જેવા હતા. પંડિતજી એમને કાવ્યાલંકારનો સવિશેષ અભ્યાસ કરાવતા. એમની સાથે પંડિતજીને ગાઢ મૈત્રી થઈ ગઈ હતી. સાંજે તેઓ ગામ બહાર જઈ ખુલ્લામાં કુસ્તીના દાવ પણ ખેલતા. બંને સાથે જમતા અને સાથે ફરવા જતા.
ચાતુર્માસ પૂરું થતાં સાધુઓ વિહાર કરી ગયા. પણ બીજા વિદ્યાર્થીઓ રોકાયા. આ સમય દરમિયાન શ્રી સાગરાનંદજી મહારાજ ત્યાં પધાર્યા હતા અને તેમણે ત્યાં આગમ વાચના ચાલુ કરી હતી. પંડિતજીને એમની સાથે આ પહેલો પરિચય થયો હતો, જે આગળ જતાં ગાઢ બન્યો હતો. મહેસાણાની પાઠશાળામાં પંડિતજીએ જે કાર્ય કર્યું તેથી પ્રભાવિત થઈ પાઠશાળાના સૂત્રધાર શ્રી વેણીચંદભાઈએ પંડિતજીને ત્યાં કાયમ રોકાઈ જવા નિમંત્રણ આપ્યું. પરંતુ વિરમગામની પાઠશાળા તરફથી વધારે સારી દરખાસ્ત આવતાં પંડિતજી વીરમગામ ભણાવવા ગયા.
પંડિતજીએ મહેસાણાથી આગ્રા પાછા ન ફરતાં વીરમગામની પાઠશાળામાં કાર્ય કરવાનું સ્વીકાર્યું, કારણ કે એ ક્ષેત્રથી તેઓ પરિચિત હતા. વળી પંડિત ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org