________________
૬૪ ૦ પંડિત સુખલાલજી
સંધ્યાવંદન થતું હોય, આરતી ઊતરતી હોય, લોભી પંડાઓ શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક વિધિ માટે યાત્રિકોની પાછળ પડતા હોય, આવી આવી ઘટનાઓની વાતો પંડિતજીને સાંભળવા મળતી. એમના જીવન સાથે આ રીતે ગંગામૈયા વણાઈ ગયાં હતાં. આગળ જતાં પોતાને એકાંતમાં મંત્રસાધના કરવી હતી, તે પણ આ જ સ્થળે રહીને એમણે કરી હતી.
પંડિતજીએ ઈ. સ. ૧૯૧૦માં ક્વિન્સ કૉલેજની ન્યાયના વિષયની મધ્યમાની પરીક્ષા આપી હતી. અને એમાં ઉત્તીર્ણ થયા હતા. હવે ન્યાયના આચાર્યની પરીક્ષાની તૈયારી કરવાની હતી. એ પરીક્ષાના છ ખંડ હતા અને તે પરીક્ષા છ વર્ષમાં પૂરી થતી હતી. પંડિતજીએ ૧૯૧૩ સુધીનાં ત્રણ વર્ષમાં ત્રણ ખંડની પરીક્ષા આપી હતી. પરંતુ એ છેલ્લી પરીક્ષા વખતે એવી ઘટના બની કે જેથી પંડિતજીનું વધુ પરીક્ષા આપવામાંથી મન ઊડી ગયું. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ અંગ્રેજ હતા. તેઓ સંસ્કૃતના જાણકાર હતા. પણ ન્યાયના વિષયના એટલા જાણકાર નહોતા. એમની હાજરીમાં એમના જ કમરામાં મૌખિક પરીક્ષા લેવાની હતી, કારણ કે પંડિતજી અંધ હતા. પરીક્ષા લેનાર બે નૈયાયિકો હતા, જગજીવન મિશ્ર અને વામાચરણ ભટ્ટાચાર્ય. છપાયેલો પ્રશ્નપત્ર આવ્યો એટલે તેઓને આપવામાં આવ્યો. એ જોઈને પરીક્ષકોએ પ્રશ્નો પૂછવાના હતા. પરંતુ પંડિતજીને વહેમ પડ્યો કે બંને પરીક્ષકો ઇરાદાપૂર્વક પ્રશ્નપત્રમાં ન છપાયા હોય એવા પણ પ્રશ્નો વચ્ચે વચ્ચે પૂછે છે. એ બંને પરીક્ષકોનો આ પ્રકારનો કુટિલ વ્યવહા૨ પંડિતજીને ગમ્યો નહિ. મૌખિક પરીક્ષા તો પૂરી થઈ, પણ રૂમમાંથી બહાર નીકળતાં દ૨વાજામાં જ પંડિતજીએ નિર્ણય કર્યો કે આવી પરીક્ષામાં હવે બેસવું નથી. પંડિતજીએ પોતાના એ નિર્ણયની દૃઢતા માટે રૂમની બહાર નીકળતાં ઉંબરામાં જોરથી પગ પછાડ્યો હતો. આ રીતે પોતે રોષ કર્યો હતો અને પગ પછાડ્યો હતો એ વાત પંડિતજી જીવનપર્યંત ભૂલી શક્યા નહોતા.
પંડિતજીએ નક્કી કર્યું કે હવેથી પરીક્ષાઓ ન આપવી, પણ પરીક્ષાઓ જેટલી સજ્જતા તો અવશ્ય કેળવવી જોઈએ. પોતાની સજ્જતા કેટલી વધી છે એનું માપ પોતે જ કાઢતા. શ્રી હર્ષનું ‘ખંડનખંડખાદ્ય’, મધુસૂદન સરસ્વતીકૃત અદ્વૈત-સિદ્ધિ’અને ચિત્સ્વરૂપાચાર્યકૃત. ચિત્સુખી’ – એ ત્રણ વેદાન્તના અંતિમ ગણાતા ગ્રંથોનું પંડિતજીએ જાતે અધ્યયન કરી લીધું હતું.
કાશીમાં રહીને નયન્યાયનો અભ્યાસ ક૨વાનો પંડિતજીનો મનોરથ હવે સિદ્ધ થઈ ગયો હતો. એટલે આજીવિકા અર્થે કંઈક કાર્ય ક૨વા ત૨ફ તેમનું મન વળ્યું હતું. પંડિતજીના મિત્ર વ્રજલાલ કલકત્તામાં રહીને વેદાન્ત ભણતા હતા. તેઓ વચ્ચે વચ્ચે કાશી આવી જતા. એમની માતા અને ભાઈ સાથે પંડિતજી કાશીમાં રહેતા
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org