________________
વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો . ૬૩ માર્ગદર્શન મળતું રહે તો સારું. એ વખતે તેઓને એક પારસી વિદ્વાન પ્રોફેસર ઊનવાલાનો પરિચય થયેલો. મદ્રાસમાં આદ્યાર થિયોસોફી સોસાયટીનું મુખ્ય કેન્દ્ર છે. એ કેન્દ્રમાં શ્રીમતી એની બેસન્ટ કામ કરતાં. કાશીમાં એમના કામમાં સહાય કરવા માટે પ્રોફેસર ઊનવાલા પણ જતા. તેઓ કાશીમાં આવેલી સેન્ટ્રલ હિન્દુ કૉલેજમાં પુરાતત્ત્વ વિષયના અને અવેસ્તા ભાષાના પ્રાધ્યાપક હતા. તેઓ અગાઉ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પ્રિન્સિપાલ હતા. તેઓ ત્યાંથી નિવૃત્ત થઈને કાશી આવ્યા હતા. પંડિતજી અને વ્રજલાલને તેમની સાથે પરિચય વધતો ગયો અને તેઓ વખતોવખત માર્ગદર્શન આપતા. તેઓ પારસીસહજ રમૂજવૃત્તિના પણ હતા અને પોતાના વિષયના ઊંડા અભ્યાસી હતા.
પંડિતજી કાશીમાં ભદૈની ઘાટ પર જૈન ધર્મશાળાના મકાનમાં રહેવા ગયા હતા. ગંગાઘાટે રહેવા જવાને પરિણામે પંડિતજીને જે કેટલાક લાભ થયા એમાંનો એક મુખ્ય તે સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર નીકળવાનો હતો. ગંગાઘાટે જૈન શ્વેતામ્બર મંદિર અને ધર્મશાળા છે. તેની પાસે જ દિગંબર મંદિર અને ધર્મશાળા છે. ત્યાં દિગંબર પાઠશાળામાં રહીને કેટલાક દિગંબર વિદ્યાર્થીઓ ભણતા હતા. પાસે પાસે રહેવાને કારણે પંડિતજીને તેઓનો સંપર્ક થયો. આરંભમાં તો સાંપ્રદાયિક સંકુચિતતાને લીધે અતડાપણું રહ્યું, પણ પંડિતજીનું હૃદય વિશાળ હતું. તેઓ વિવિધ શાસ્ત્રોના જાણકાર હતા. આ વાત જાણતાં દિગંબર વિદ્યાર્થીઓ એમની પાસે ભણવા આવવા લાગ્યા. પંડિતજી તેઓને ઉત્સાહ અને ખંતથી ભણાવતા. પંડિતજીને આ નિમિત્તે દિગંબર શાસ્ત્રો વાંચવા મળ્યાં. દિગંબર શાસ્ત્રગ્રંથો સાથેનું તેમનું તાદાસ્ય પણ વધ્યું ને આગળ જતાં તુલનાત્મક લેખનકાર્યમાં એ તેમને બહુ ઉપયોગી લાગ્યું. સમય જતાં દિગંબર સમાજમાંથી પણ તેમને પંડિત મિત્રો મળતા રહ્યા હતા.
ભદૈનીના ઘાટ પરના નિવાસ દરમિયાન પંડિતજીને કાશીનાં કેટલાંક બ્રાહ્મણ સંસ્કારી કુટુંબો સાથે પણ સંબંધ બંધાયો હતો. તેવાં બ્રાહ્મણ કુટુંબોમાં જઈને રહેવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા હતા એથી પંડિતજીને અને તે તે બ્રાહ્મણકુટુંબોને પરસ્પર સંસ્કાર-વિનિમયનો લાભ મળ્યો હતો. એકબીજાને સમજવાની અને અપનાવવાની તક તેઓને મળી હતી એથી તેમના પરસ્પરના સાંપ્રદાયિક પૂર્વગ્રહો મોળા પડતા ગયા હતા. લગભગ પાંચેક વર્ષના ગંગાઘાટના નિવાસથી પંડિતજીને પોતાના જીવનઘડતરમાં ઘણો લાભ થયો હતો.
કાશીમાં ગંગાતટે રહેવાને લીધે વિવિધ ઋતુઓમાં ગંગામૈયા કેવાં કેવાં સ્વરૂપ ધારણ કરે છે અને સ્થાનિક રહેવાસીઓ અને નવા નવા આવતા યાત્રિકોને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે પંડિતજીને જાણવા મળ્યું. મોટાંમોટાં પૂર આવે ત્યારે તેમાં પશુઓ, વૃક્ષોની ડાળીઓ, સૂકાં લાકડાં વગેરે તણાતાં હોય. નદી શાંત હોય ત્યારે તેમાં નાવડામાં બેસી લોકો રામધૂન જમાવતા હોય કે રામાયણની ચોપાઈઓ લલકારતા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org