________________
૫૬ પંડિત સુખલાલજી બે પ્રતિષ્ઠિત પંડિતો હતા. એક તો મિથિલાના ચુંબે ઝા અને બીજા પટણાના હરિહર કૃપાળુ, પરંતુ તેઓ બંને પંડિતો પોતાનું વતન છોડી કાશી આવવા તૈયાર નહોતા અને વ્રજલાલ તથા પંડિતજીને ત્યાં જઈને અને રહીને અધ્યયન કરવાની અનુકૂળતા નહોતી.
આ પ્રયાસો ચાલતા હતા તે દરમિયાન એક વિકલ્પ થયો. કાશીમાં જ ચાર માઈલ દૂર સુપ્રસિદ્ધ વેદાન્તી લક્ષ્મણ શાસ્ત્રી દ્રવિડે વ્રજલાલને ભણાવવાની સંમતિ આપી. આથી પંડિતજી અને વ્રજલાલે એવો રસ્તો કાઢ્યો કે વ્રજલાલ શાસ્ત્રીજી પાસે જઈને વેદાન્ત દર્શનનો અભ્યાસ કરે અને પંડિતજી ન્યાય દર્શનનો અભ્યાસ ઘરે રહીને સ્વયમેવ આવડે એવો કરે. સાંજે વ્રજલાલ ઘરે આવે ત્યારે બંને એકબીજાને પોતે કરેલા અધ્યયનથી પરિચિત કરી દે. વ્રજલાલ રોજ ચાર માઈલ ચાલીને લક્ષ્મણ શાસ્ત્રી પાસે આ રીતે અભ્યાસ કરવા લાગ્યા. આ ક્રમ કેટલોક વખત સુધી સારી રીતે ચાલ્યો. દરમિયાન કોઈ યોગ્ય પંડિત બંનેને અભ્યાસ કરાવે એની શોધ તો ચાલુ જ હતી. એવામાં બાલકૃષ્ણ મિશ્ર નામના વિદ્યાર્થી વ્યાકરણ તથા ન્યાયનું અધ્યયન કરીને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પંડિત તરીકે તૈયાર થયા હતા. તેઓ ભણાવવાનું કામ શોધતા હતા. તેમણે પંડિતજી અને વ્રજલાલને તેમની પાસે આવીને ભણાવવાનું સ્વીકાર્યું. તેમણે પ્રાચીન ન્યાય અને સાંખ્યયોગમાં ભાષ્યોનું અધ્યયન કરાવ્યું. વળી પંડિતજી તેમની પાસે નવ્ય ન્યાય પણ શીખતા. પંડિતજી અને એમના મિત્રની ઇચ્છા બધાં જ દર્શનોનાં ભાષ્યો શીખવાની હતી કે જેથી બિનસાંપ્રદાયિક દષ્ટિ ખીલે. તેઓ બંનેને અધ્યયન કરવામાં રસ પડતો ગયો અને પંડિત બાલકૃષ્ણ મિશ્રને યોગ્ય અધિકારી વિદ્યાર્થીઓ મળ્યા એથી આનંદ થયો. પંડિતજીને પોતાના આ વિદ્યાગુરુ પ્રત્યે ઘણો આદર થયો હતો.
પંડિતજીનો શ્રી વિજયવલ્લભસૂરિજી સાથેનો સંપર્ક ચાલુ હતો. શ્રી વિજયવલ્લભસૂરિજી પોતે પંજાબમાંથી વિહાર કરીને ગુજરાત તરફ જવાના હતા અને ચાતુર્માસ પાલનપુરમાં કરવાના હતા. એમની ઈચ્છા એવી હતી કે પંડિતજી પાલનપુર આવીને ચાતુર્માસ દરમિયાન રહે. પંડિતજીનો પોતાનો કાશીમાં અભ્યાસ ચાલતો હતો. એ અભ્યાસ છોડવો નહોતો એટલે શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંડિતજીને પોતાને ભણાવનાર પંડિતજીને સાથે લઈને પાલનપુર આવવાનું જણાવ્યું. પંડિતજી એ રીતે પોતાના પંડિતોને લઈને પોતાના મિત્ર શ્રી વ્રજલાલની સાથે પાલનપુર આવી પહોંચ્યા. ત્યાં આવીને એમણે “કાવ્યપ્રકાશનો અભ્યાસ ચાલુ રાખ્યો. વળી પંડિતજી પોતે શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી લલિતવિજયજીને અધ્યયન કરાવવા લાગ્યા. એ દિવસો સ્વરાજ્યની ચળવળના હતા. કેટલાંક દેશી રાજ્યો પોતાના રાજ્યમાં એવી કોઈ ચળવળ ન થાય તે માટે સાવધ રહેતાં. દેશી રાજ્યોમાં તો રાજા કહે તે કાયદો. તેનો પડકાર કોઈ કરી શકે નહિ. પાલનપુર રાજ્ય નવાબી રાજ્ય હતું. કેટલાક જૈન અગ્રણીઓ રાજ્યમાં અમલદાર પણ હતા. એટલે એક વખત શ્રી વ્રજલાલ ઉપાશ્રયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org