________________
અંધત્વ • ૨૩ એ શીતળા માતાનો જ પ્રકોપ હતો. એમ ત્યારે તેઓ મનથી માનતા. જૂના વખતથી કેટલાંક દેવદેવીઓનાં નામ અમુક રોગ સાથે સંકળાયેલાં રહ્યાં છે.
શીળી અથવા શીતળાના રોગને ગર્દભના વાહનવાળી શીતળા માતા સાથે સંબંધ છે એવી લોકમાન્યતા ચાલી આવે છે. આજે પણ કેટલાય લોકો, ખાસ કરીને બાળકો કે જેને શીતળા નીકળ્યાં હોય તેને શીતળા માતાને પગે લગાડવા લઈ જવામાં આવે છે. શીતળા માતાનાં મંદિરો ભારતમાં ઠેર ઠેર છે. શીતળા એ શરીરની ગરમીનો રોગ છે. શીતળા માતા પ્રસન્ન હોય તો શરીરમાં શીતળતા-ઠંડક કરી આપે છે. શીતળા માતાનો ઉત્સવ શીતળા સાતમના દિવસે કરવામાં આવે છે. એ દિવસે ચૂલામાં શીતળતા જોઈએ એટલે કે ચૂલો સળગાવાય નહિ. બધું ઠંડું ખાવાનું. અગાઉના દિવસે કરી રાખેલી વાનગીઓ ઠંડી ખાવાની હોય છે. જે આ રિવાજનો ભંગ કરે એના ઉપર શીતળા માતા ક્રોધે ભરાય છે. એને શીતળાનો રોગ થાય છે. એવી લોકમાન્યતા છે.
કિશોર પંડિતજીને એક વખત કુતૂહલ થયું કે શીતળા માતા ચૂલામાં સૂવા આવે છે, તો ચૂલો સળગાવીને એમને ભગાડવાં જોઈએ. પછી જોઈએ કે તેઓ શું કરી શકે છે ? શીતળા સાતમના દિવસે પોતાના ઘરે તો કશું થઈ શકે એમ નહોતું. એટલે પંડિતજીએ પોતાની ફોઈના દીકરા ચૂનીલાલને ખાનગીમાં આ વાત કરી. તેઓ સંમત થયા. બંને જણે ઘર બંધ કરીને કોઈ ન જાણે એમ ચૂલો સળગાવ્યો. દૂધ ગરમ કરીને એમાં સાકર નાખીને બંને જણે પીધું. આ વાત ફક્ત તેઓ બે જણા જ જાણતા હતા. પરંતુ એ વર્ષે શીતળા માતાએ કશું કર્યું નહિ. પણ ત્રીજે વર્ષ પોતાને શીતળા નીકળ્યાં ત્યારે પંડિતજીના મનમાં એવો પાકો વહેમ બંધાઈ ગયો કે પોતે ત્યારે જે ખોટું કર્યું હતું, એથી શીતળા માતા કોષે ભરાયાં અને હવે આ ઉપદ્રવ કર્યો છે. અલબત્ત, પંડિતજીએ આ વાત પોતાના મનમાં જ વર્ષો સુધી રાખી અને કોઈને પણ કહી નહોતી. લાંબા સમય સુધી તેમની અંધશ્રદ્ધા ચાલુ રહી હતી, પરંતુ ત્યાર પછી તર્ક અને બુદ્ધિથી તેઓ વિચારવા લાગ્યા ત્યારે તેમને સમજાયું કે પોતાનો એ વહેમ સાચો નથી, કારણ કે પોતાને જો શીતળા નીકળ્યાં તો પછી ચૂનીલાલને શીતળા કેમ ન નીકળ્યાં ? અને જેઓ શીતળા સાતમે ચૂલો નથી જ સળગાવતા એવાઓને શીતળા કેમ નીકળે છે ? વળી શીતળા સાતમમાં જેઓ માનતા નથી તેઓનું શું? આવા ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. વળી શીતળા નીકળવાનાં વૈજ્ઞાનિક કારણો અને ઉપાયો જાણીતાં થયાં છે. એટલે વર્ષો પછી પંડિતજીની એ અંધશ્રદ્ધા આપોઆપ સરી પડી હતી.
અંધત્વ આવ્યા પછી પંડિતજીની ઊઠવા-બેસવાની કે હરવાફરવાની મૂંઝવણ વધી જાય એ સ્વાભાવિક છે. અનુમાનથી હાલવાચાલવા જતાં ક્યાંક અથડાઈ જવાના પ્રસંગો પણ બનવા લાગ્યા. હાથમાં લાકડી રાખવાની સલાહ મળેલી, પણ લાકડી રાખવી એમને ગમતી નહિ. એમની સોળ વરસની ઉંમર હતી. એટલે શારીરિક શક્તિ ઊભરાતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org