________________
૧૧૪ • પંડિત સુખલાલજી એ સ્પષ્ટતા પણ કરી. દલસુખભાઈનો જીવ વિદ્યોપાસનાનો હતો. એમણે મુંબઈની વહીવટી કામની નોકરી છોડીને બનારસ જવાનું પસંદ કર્યું. રાજીનામું આપીને તેઓ બનારસ ગયા. તેઓ ગયા હતા તો પંડિતજીના અંગત મદદનીશ તરીકે કામ કરવા માટે, પણ પછી એમની યોગ્યતા જણાતાં એમને યુનિવર્સિટીના જૈન દર્શનના વિભાગમાં જ અધ્યાપક તરીકે નોકરી મળી ગઈ. આ રીતે પંડિતજીએ દલસુખભાઈ સાથે બનારસમાં રહીને સારું કાર્ય કર્યું. પંડિતજીના લેખન-વાચનમાં તો તેઓ મદદ કરતા જ હતા, પણ તદુપરાંત પોતાનું સ્વતંત્ર અધ્યયન, લેખન, સંશોધન, સંપાદનનું કાર્ય પણ કરતા રહ્યા હતા.
પંડિતજીએ બનારસનાં વર્ષો દરમિયાન હેમચંદ્રાચાર્યના પ્રમાણમીમાંસા' નામના ગ્રંથનું સંશોધન-સંપાદનનું મોટું કાર્ય ઉપાડ્યું. એમાં પંડિત મહેન્દ્રકુમાર અને પંડિત દલસુખભાઈ એ બે એમના મુખ્ય મદદનીશ હતા. આ ગ્રંથમાં પંડિતજીએ ભારતીય પ્રમાણશાસ્ત્રના વિકાસક્રમ વિશે સવિસ્તર પ્રસ્તાવના રૂપે નિબંધ લખ્યો અને તુલનાત્મક અધ્યયન સાથે ટિપ્પણો પણ આપ્યાં. ૧૯૩૯માં પ્રકાશિત થયેલા એ ગ્રંથે પંડિતજીને ઘણી મોટી પ્રતિષ્ઠા અપાવી, આ ગ્રંથની પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાન્તર Advanced studies in Indian Logic and Metaphysicsના નામથી ૧૯૬૧માં પ્રકાશિત થયું છે.)
પ્રમાણમીમાંસા' ઉપરાંત પંડિતજીએ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જૈન તર્કભાષા' નામના ગ્રંથનું સંશોધન સંપાદન તૈયાર કર્યું અને તે વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે ૧૯૩૮માં પ્રકાશિત થયું. ત્યાર પછી એ જ પ્રમાણે “જ્ઞાનબિન્દુ'નું પ્રકાશન ૧૯૪રમાં થયું.
આ ત્રણ ગ્રંથો ઉપરાંત પંડિતજીએ બીજા બે મહત્ત્વના ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું, એ ગ્રંથો તે (૧) ચાર્વાક દર્શનનો ‘તત્ત્વોપ્લવસિંહ અને (૨) બૌદ્ધ દર્શનનો ધર્મકીર્તિકૃત હેતુબિન્દુ સટીક) આ બંને ગ્રંથો વડોદરાના ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં અનુક્રમે ૧૯૪૦માં અને ૧૯૪૯માં પ્રકાશિત થયા હતા.
આમ બનારસ યુનિવર્સિટીના અધ્યાપનકાળ દરમિયાન આ પાંચે પ્રાચીન ગ્રંથોના સમર્થ સંશોધનકાર્યે પંડિતજીને એ વિષયના વિદ્વાનોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી.
શ્રી દલસુખભાઈ માલવણિયાએ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી' નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે પંડિતજીનું કોઈ પણ લખાણ હોય, તેમાં તર્ક, ઇતિહાસ, તુલના, સમન્વય તો હોય જ. ઉપરાંત ભાષાસૌષ્ઠવ એ પણ હોય જ. તેમનું કોઈ પણ વાક્ય શિથિલ નહિ જણાય. નહિ અતિશયોક્તિ, નહિ અલ્પોક્તિ, પણ જે કાંઈ વક્તવ્ય હોય તે બરાબર કહેવામાં તેમનું ભાષાસામર્થ્ય પ્રકટ થયા વગર રહે જ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org